PM Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે રવાના થઈ ગયા છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના એક જાણીતા ન્યૂઝપેપરને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ફ્રાન્સના અગ્રણી મીડિયા ગ્રુપ "લેસ ઇકોસ" ને આપેલા આ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી અને કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના અધિકારોને સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નકારવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, "હું ભારતને 'ગ્લોબલ સાઉથ' માટે મજબૂત ખભા તરીકે જોઉં છું." આ ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે ભારત દેશ 2047 સુધીમાં વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.






યુએનએસસીમાં કાયમી સભ્યપદ માટે હિમાયત કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂલાઈએ પેરિસમાં bastille day paradeની ઉજવણીમાં ચીફ ગેસ્ટ હશે. અગાઉ, ફ્રેન્ચ અખબાર લેસ ઇકોસને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પશ્ચિમી દેશો અને ગ્લોબલ સાઉથ વચ્ચે સેતુ તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે "ગ્લોબલ સાઉથના અધિકારો લાંબા સમયથી નકારવામાં આવ્યા છે.તેથી જ આ દેશોમાં તેની પીડા દેખાઈ રહી છે." આ પછી ભારતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે એવામાં તેને ફરીથી પોતાનું સ્થાન મેળવવાની જરૂર છે.


ફ્રેન્ચ મીડિયાને આપેલા આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની પણ હિમાયત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતુ કે , "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દુનિયાની વાત કરવાનો દાવો કેવી રીતે કરી શકે છે જ્યારે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ તેનો કાયમી સભ્ય નથી."






ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, 2014 પછી ભારતને આઝાદીની 100મી વર્ષગાંઠ 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્રમાં ફેરવવાના ઉદ્દેશ્ય સાથે મોટા આર્થિક સુધારાઓ શરૂ કર્યા છે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે છે.


પીએમ મોદીના આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં એક સમૃદ્ધ સભ્યતા છે જે હજારો વર્ષો જૂની છે. આજે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની સૌથી મજબૂત સંપત્તિ આપણા યુવા છે એવામાં સમયમાં જ્યારે દુનિયાના અનેક દેશ વૃદ્ધ થઇ રહ્યા છે અને તેમની વસ્તી ઓછી થઇ રહી છે. ભારતના યુવા અને કુશળ કાર્યબળ આવનારા દાયકામાં વિશ્વ માટે એક સંપત્તિ બની રહેશે.


અમેરિકાના સંબંધો કેવી રીતે મજબૂત થઈ રહ્યા છે?


ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીને ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો પર પણ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એ વાત સાચી છે કે ભારત-અમેરિકાના સંબંધો લાંબા સમયથી સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે, પરંતુ છેલ્લા નવ વર્ષમાં તેણે વેગ પકડ્યો છે અને નવા સ્તરે પહોંચ્યા છે. આ માટે બંને દેશો તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. સરકાર હોય, સંસદ હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ જગત હોય કે પછી બંને દેશોના લોકો, બધા સંબંધોને ઊંચા સ્તરે લઈ જવા આતુર છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં મને વ્યક્તિગત રીતે વિવિધ સરકારો સાથે અમેરિકન સંકલનનો સારો અનુભવ થયો છે.


ચીનના મોરચે રહેલા ખતરાને લઈને પીએમ મોદીનો જવાબ


વડાપ્રધાન મોદીને ચીન અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીને પૂછવામાં આવ્યું હતું કે ચીન તેની સંરક્ષણ શક્તિ વધારવા માટે સતત રૂપિયા ખર્ચી રહ્યુ છે, શું આ ક્ષેત્રમાં કોઈ સુરક્ષા ખતરો છે? તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા હિતો વ્યાપક છે. આપણે જે ભવિષ્યનું નિર્માણ કરવા માંગીએ છીએ તેના માટે શાંતિ આવશ્યક છે. ભારત હંમેશા વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા મતભેદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને તમામ દેશોની સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું સન્માન કરવા માટે ઊભું રહ્યું છે. અમારો ધ્યેય પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને આગળ વધારવાનો છે.


ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો અંગે શું કહ્યુ


ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી એ ભારત-પ્રશાંત ક્ષેત્રને અસર કરતી મહત્વપૂર્ણ ભાગીદારીમાંની એક છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં આપણે બે મોટી શક્તિઓ છીએ. આપણી ભાગીદારીનો હેતુ એક મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ, સુરક્ષિત અને સ્થિર ઈન્ડો પેસિફિક પ્રદેશને આગળ વધારવાનો છે. અમે સંરક્ષણ સાધનો સહિત અન્ય દેશોની સુરક્ષા જરૂરિયાતોને સમર્થન આપવા માટે પણ સહયોગ કરીશું. તેમાં આર્થિક, કનેક્ટિવિટી, માનવ વિકાસ અને સ્થિરતાની સમગ્ર શ્રેણીનો સમાવેશ થાય છે. આનાથી અન્ય દેશોને પણ શાંતિ માટે સામાન્ય પ્રયાસો કરવા આકર્ષિત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારીમાં યુરોપિયન યુનિયન પણ સામેલ થશે, જેની પોતાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના છે.