India Canada Row: કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. વિવાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના એ નિવેદનથી શરૂ થયો જેમાં તેમણે ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં કેનેડાના વડાપ્રધાને ફરી એકવાર પોતાની વાત પર અડગ રહ્યા હતા. જો કે, ભારત તેમના આરોપોને વાહિયાત ગણાવીને નકારી ચૂક્યું છે.


જો કે, કેનેડાનું એ માનવું હતું કે ભારતીય એજન્ટો ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા તે ભારતીય અધિકારીઓ સાથેની વાતચીતના કોલ રેકોર્ડ પર આધારિત હોઈ શકે છે. સીબીસી ન્યૂઝે ગુરુવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે કેનેડામાં  હાજર ભારતીય રાજદ્વારીઓ સહિત ભારતીય અધિકારીઓને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા, આ દરમિયાન તેઓએ કોલ પર જે વાત કરી હતી તે સાંભળવામાં આવી હતી. કેનેડાની સરકારે એક મહિના લાંબી તપાસ દરમિયાન ગુપ્ત માહિતી એકત્ર કરી હતી.


જાસૂસી સલાહકાર બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતા


રિપોર્ટ અનુસાર, 'ફાઇવ આઇઝ' ગઠબંધનમાં અન્ય દેશો સાથે કેટલીક ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. તે ગ્રુપમાં કેનેડા ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને જાસૂસી સલાહકાર જૉડી થોમસ ઓગસ્ટમાં ચાર દિવસ અને સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.


નિજ્જરની હત્યામાં ભારત પર આરોપ લગાવનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપોને ગંભીરતાથી લે અને અમારી સાથે મળીને કામ કરે.


ટ્રુડોએ કહ્યું કે મેં અગાઉ કહ્યું તેમ અમને નક્કર માહિતી મળી છે કે આ ઘટના (નિજ્જરની હત્યા) પાછળ ભારત સરકારનો હાથ છે. મને લાગે છે કે નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી ધરાવનાર દેશ તરીકે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે અત્યંત અખંડિતતા સાથે કામ કરીએ. હું તમને ખાતરી આપવા માંગુ છું કે આ આરોપોને હાઉસ ઓફ કોમન્સમાં દરેકની સમક્ષ રજૂ કરવાનો નિર્ણય ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે.


તેમણે કહ્યું કે કાયદાનું પાલન કરનાર દેશ તરીકે નિષ્પક્ષ તપાસ કરવાની અમારી જવાબદારી છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રણાલીને અનુસરીએ છીએ. હું અહીં કહેવા માંગુ છું કે આપણી ધરતી પર આપણા નાગરિકની હત્યા પાછળ કોઈપણ દેશનો હાથ હશે તેને સહન કરવામાં આવશે નહીં.