Membership Of UN Security Council : ભારતે ફરી એકવાર મક્કમતાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષામાં વિસ્તરણની માંગ સાથે પોતાના સભ્યપદની દાવેદારી કરી છે. ભારતે સ્પષ્ત શબ્દોમાં કહ્યું છે કે, વિશ્વ સંસ્થાની સુરક્ષા પરિષદનું સ્થાયી અને અસ્થાયી કેટેગરીમાં વિસ્તરણ એ વિકાસશીલ દેશો અને યુએન ફોરમમાં પ્રતિનિધિત્વ વિનાના પ્રદેશોના અવાજને યોગ્ય સ્થાન આપવુ "તદ્દન જરૂરી" છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ એમ્બેસેડર રૂચિરા કંબોજે પણ કહ્યું હતું કે, સમકાલીન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને અનુરૂપ સુરક્ષા પરિષદના નિર્ણય લેવાની ગતિ લાવવાનો એકમાત્ર રસ્તો બંને શ્રેણીઓનું વિસ્તરણ છે. કંબોજે આંતર-સરકારી વાટાઘાટો (IGN) પર પૂર્ણ અનૌપચારિક બેઠકને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.


"દુનિયાને એક એવી સુરક્ષા પરિષદની જરૂર છે જે આજે સંયુક્ત રાષ્ટ્રની ભૌગોલિક અને વિકાસલક્ષી વિવિધતાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે" તેમ કંબોજે કહ્યું હતું. એક એવી સુરક્ષા પરિષદની આવશ્યકતા છે જ્યાં વિકાસશીલ દેશો અને આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયા અને પેસિફિક ક્ષેત્રોની વિશાળ આબાદી સહિતના બિઅન પ્રતિનિધિત્વ ધરાવતા ક્ષેત્રના અવાજો પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકે. તેમણે કહ્યું હતું કે, આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે 15 દેશોની સભ્યતા ધરાવતી સુરક્ષા પરિષદમાં બંને શ્રેણીના સભ્યપદનો વિસ્તાર કરવો અત્યંત જરૂરી છે. કંબોજે વધુમાં કહ્યું હતું કે, આ પરિષદની રચના અને નિર્ણય લેવાની ગતિને સમકાલીન ભૂ- રાજકીય વાસ્તવિકતાઓને અનુરૂપ બનાવવાનો એકમાત્ર રસ્તો છે. 


'સિક્યોરિટી કાઉન્સિલને વધુ જવાબદાર બનાવવી જોઈએ'


ભારતીય પ્રતિનિધિએ ભારતની મજબુત દાવેદારીની માંગણી કરતા કહ્યું હતું કે, જો (સભ્ય) દેશો ખરેખર સુરક્ષા પરિષદને વધુ જવાબદાર અને વિશ્વસનીય બનાવવામાં રસ ધરાવતા હોય તો અમે તેમને ખુલ્લેઆમ આગળ આવવા અને સંયુક્ત રાષ્ટ્રમાં એકમાત્ર સ્થાપિત પ્રક્રિયા દ્વારા સમયબદ્ધ રીતે આ સુધારાને હાંસલ કરવા હાકલ કરીએ છીએ. આ વિષય વસ્તુનો આધાર હોવો જોઈએ, ના કે એક બીજા વિરૂદ્ધ બોલીને કે 'પોતાની જ દાફલી, અપનો જ રાગ' વગાડીને કરવામાં આવે. જેવું કે આપણે છેલ્લા ત્રણ દાયકાથી કરી રહ્યાં છીએ.


બેઠક બે મુદ્દાઓ પર બોલાવવામાં આવી હતી. પહેલી- વિસ્તૃત સુરક્ષા પરિષદનું કદ અને તેની કાર્યપદ્ધતિ તથા સુરક્ષા પરિષદ અને જનરલ એસેમ્બલી વચ્ચે સંબંધ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના અધ્યક્ષ સિસાબા કોરોસીએ તેને "પરિવર્તનકારી પગલું" ગણાવ્યું અને આઈજીએનની સહ-અધ્યક્ષતા કરનારા કુવૈતના સ્થાયી પ્રતિનિધિ તારેક અલ્બાનાઈ અને ઓસ્ટ્રિયાના સ્થાયી પ્રતિનિધિ એક્સેલ માર્શિકનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત અને જી-4ના અન્ય ત્રણ દેશો- બ્રાઝિલ, જર્મની અને જાપાન - વારંવાર કહે છે કે IGNમાં નિખાલસતા અને પારદર્શિતાનો અભાવ છે.


સુરક્ષા પરિષદના 5 કાયમી અને 10 અસ્થાયી સભ્યો


કંબોજે કહ્યું હતું કે, આપણે સૌકોઈ એ વાતને લઈને સહમત છીએ કે, સુરક્ષા પરિષદના કદને વધુ કાયદેસર અને પ્રતિનિધિત્મક બનાવવા માટે તેને વિસ્તૃત કરવું જોઈએ. કાઉન્સિલમાં હાલ પાંચ કાયમી સભ્યો છે - ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા અને 10 ચૂંટાયેલા અસ્થાયી સભ્યો છે. જેનું અસ્થાયી સભ્યપદ બે વર્ષ માટે હોય છે. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કાઉન્સિલના બિન-સ્થાયી સભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત કંબોજે એમ પણ કહ્યું હતું કે, સુરક્ષા પરિષદના એજન્ડામાં એવા મુદ્દા છે, જેના પર સાત દાયકાથી વધુ સમયથી ચર્ચા જ નથી થઈ.