Global Times Reaction : ભારત અને અમેરિકાએ પોતાના સંરક્ષણ અને ટેક્નોલોજી સંબંધોને વેગ આપવા માટે 'ધ ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી, iCET' લોન્ચ કર્યું છે. આ સંરક્ષણ પહેલમાં યુએસ અને ભારત અદ્યતન સંરક્ષણ અને કમ્પ્યુટિંગ ટેકનોલોજી શેર કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીના જેટ એન્જિનનું ઉત્પાદન પણ સામેલ હોઈ શકે છે. માનવામાં આવે છે કે, અમેરિકા ભારત સાથે આ પહેલ ચીન અને રશિયા બંનેની એકસાથે સાધવાના ઈરાદે કરી રહ્યું છે. ભારત-અમેરિકાની આ ડીલને લઈને ચીનના સરકારી ભોંપુ ગ્લોબલ ટાઈમ્સના પેટમાં તેલ રેડાયું છે.
ચીનના એક અગ્રણી અખબારે કહ્યું છે કે, ભારત અને અમેરિકા એક એવા કપલ જેવા છે જે એક જ પથારી પર સૂતા હોય છે પરંતુ તેમના ઈરાદા બિલકુલ અલગ હોય. ચીનની સામ્યવાદી સરકારનું મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સે એક લેખમાં લખ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને તેમના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ સાથેની મુલાકાતમાં આઈસીઈટી પહેલ સાથે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને સત્તાવાર રીતે આગળ વધારી છે. .
અખબાર લખે છે કે- ચીની કહેવત છે - એક જ પલંગ, જુદા જુદા સપના. કહેવત એક એવા યુગલ વિશે વાત કરે છે જેઓ એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ જેમના ઇરાદા સંપૂર્ણપણે અલગ હોય. આ કહેવત અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોનું સચોટ વર્ણન લાગે છે. અમેરિકી પ્રમુખ જો બાઈડેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે 2020માં ટોક્યોમાં મળ્યા હતા અને બંનેએ આ પહેલ શરૂ કરવા વિશે વાતચીત કરી હતી. બંને પક્ષો જાણે છે કે બંનેને એક બીજાની જરૂર છે.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત અમેરિકા સાથે એ આશાએ ટેક્નિકલ સંબંધોને વિકસાવી રહ્યું છે કે, તેને એડવાન્સ ટેક્નોલોજી મળશે અને આ માટે અમેરિકા પાસેથી ફંડિંગ પણ મળશે. ભારત ઇચ્છે છે કે, આ ટેક્નોલોજી અને ફંડ દ્વારા તે આ ક્ષેત્રમાં વિકાસ કરી શકશે. વૈશ્વિક ઉદ્યોગ અને સપ્લાય ચેઇનમાં ચીનને પાછળ છોડી દેશે. આ સંરક્ષણ પહેલમાં અમેરિકાની રુચિનો ઉલ્લેખ કરતા ગ્લોબલ ટાઈમ્સે શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના ચાઈના-સાઉથ એશિયા કોઓપરેશન રિસર્ચ સેન્ટરના સેક્રેટરી જનરલ લિયુ ઝોંગીને ટાંકીને કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે ત્યાં સુધી જો તે ભારતને પોતાની સાથે જોડી રાખવા માંગતુ હોય તો તેણે તે જ કરવું પડશે જે ભારત ઇચ્છે છે. બીજી તરફ, આ પહેલ દ્વારા અમેરિકા ભારતને તેના કટ્ટર મિત્ર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી કરીને ભારત સપ્લાય ચેઇનમાં ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે.
'ચીન-રશિયા સામે ભારત સંપૂર્ણપણે અમેરિકાના પક્ષમાં નહીં જાય'
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત ભલે અમેરિકા સાથે તેના ગાઢ સંબંધો વધારી રહ્યું હોય, પરંતુ તે અમેરિકા સાથે ચીનની વિરુદ્ધ સંપૂર્ણ રીતે ઊભું નહીં રહે. ચીન એવો પાડોશી છે કે, ભારત તેનાથી દૂર ના જઈ શકે. ઓગસ્ટમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે "એશિયન સેન્ચ્યુરી" શબ્દને રેખાંકિત કર્યો હતો અને ભારત-ચીન એકસાથે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અખબાર આગળ લખે છે કે, જાપાન જેવા અમેરિકાના નાના ભાઈઓથી વિપરીત, ભારત એક એવો દેશ છે જે બિન-જોડાણ અને વ્યૂહાત્મક સ્વાયત્તતાને અનુસરે છે. આ એક ભ્રમણા છે કે, ભારત ચીન અને રશિયા સામે અમેરિકા દ્વારા બતાવેલ માર્ગ પર સંપૂર્ણ રીતે ચાલશે. આનો અર્થ એ થયો કે ચીન અને રશિયાની મદદ માટે અમેરિકા ભારતનો ગમે તેટલો ઉપયોગ કરે તે તેના પ્રયાસમાં ક્યારેય સફળ નહીં થાય.
નિષ્કર્ષમાં અખબારે લખ્યું કે, iCET પહેલ સૂચવે છે કે, અમેરિકા ચીન અને રશિયા સાથે તેની ભૌગોલિક રાજકીય સ્પર્ધા વધારી રહ્યું છે પરંતુ હજુ પણ કાર્યક્ષમ અભિગમનો અભાવ છે.