રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતના ઘણા વિદ્યાર્થીઓ પણ આ યુદ્ધમાં ફસાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારના 4 મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલ્યા હતા. ભારત સરકાર વિદ્યાર્થીઓને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક પાકિસ્તાનની વિદ્યાર્થીનીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ પાકિસ્તાન પોતાના વિદ્યાર્થીઓને બચાવવા આગળ આવ્યું નથી.
ભારતીય અધિકારીઓએ યુક્રેનની રાજધાની કિવમાંથી પાકિસ્તાન ની વિદ્યાર્થીની અસમા શફીકને સુરક્ષિત રીતે બચાવી લીધી છે. વિદ્યાર્થીનીએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, અસ્માને ભારતીય અધિકારીઓએ બચાવી લીધા છે અને તે દેશમાંથી બહાર કાઢવા માટે પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. તે ટૂંક સમયમાં તેના પરિવાર સાથે ફરી જોડાશે.
રશિયા સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તમામ વિદ્યાર્થીઓ પોલ્ટાવા જવાના રસ્તે છે, જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન જવા માટે ટ્રેનમાં ચઢશે.
યુક્રેનના 6 શહેરોમાં સીઝફાયર માટે રશિયા તૈયાર
રશિયાએ બુધવારે ફરી એકવાર લોકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાહેરાત બુધવારે સવારે કરવામાં આવી હતી. રશિયન સૈનિકોએ માનવ કોરિડોર બનાવીને લોકોને બહાર કાઢવાની તૈયારી કરી છે.રશિયા કિવની સાથે મારીયુપોલ, ખાર્કિવ, ઝાપોરિઝિયા, ચેર્નિહિવ અને સુમીમાં ફરીથી યુદ્ધવિરામ માટે તૈયાર છે અને અહીંથી લોકોને બહાર કાઢશે.