જકાર્તાઃ દક્ષિણ એશિયામાં કોરોના વાયરસ સંક્રમણના પ્રકોપને જોતાં ઈન્ડોનેશિયાએ રાજધાની જકાર્તામાં આંશિક લોકડાઉન (Partial Lockdown) લગાવ્યું છે. દેશમાં મસ્જિદો, રેસ્ટોરેંટ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે 25 હજારથી વધુ નવા કેસ અને 59 લોકોના મોત થયા હતા. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


સરકારના આ પ્રયાસોમાં સહયોગ આપતાં ઈન્ડોનેશિયાએ એરએશિયા (Air Asia) ગ્રુપની ફ્લાઇટ પર છ જુલાઈથી એક મહિના માટે અસ્થાયી રોક લગાવી દીધી છે. આ જાણકારી કંપનીએ ટ્વીટ કરીને આપી છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે બજેટ એરલાઇને પેસેન્જરની ટિકિટનું રિફંડ આપવાનો વિકલ્પ પણ આપ્યો છે તથા રિશિડ્યૂલિંગની સલાહ પણ આપી છે.


લોકડાઉન લાગુ કર્યા બાદ પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી છે. જાવા આઇલેંડમાં 400થી વધારે ચેકપોઇન્ટ ઉભી કરવામાં આવી છે. ચેક પોઇન્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનનો ડોઝ (Vaccine Dose) લીધેલા તથા નેગેટિવ ટેસ્ટ  (Negative Test) આવ્યા બાદ જ લોકોને આગળ જવા દેવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં અહીં રેકોર્ડ નવા કેસ આવ્યા છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં કુલ 22 લાખથી વધારે મામલા છે અને 59,534 લોકોના મોત થયા છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરાના સંક્રમણ મામલા (Corona Cases India) સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા.  દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.