Earthquake In Iran: છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આજે મંગળવારે 31 ઓક્ટોબરે ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 5 આસપાસ માપવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો ઉત્તર અને મધ્ય ઈરાનમાં અનુભવાયો હતો. ન્યૂઝ એજન્સી રૉઇટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપ લગભગ 10 કિમીની ઊંડાઈએ હતો. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ બપોરે 3.26 કલાકે આવ્યો હતો.


જાનહાનિના સમાચાર નથી 
રિપોર્ટ અનુસાર, હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. તમને જણાવી દઈએ કે ઈરાન અનેક પ્રકારની ભૌગોલિક રેખાઓથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં ઈરાને પાછલા વર્ષોમાં અનેક વિનાશક ભૂકંપનો સામનો કરવો પડ્યો છે.


ચીનમાં આવ્યો આજે ભૂકંપ
ચીનમાં 31મી ઓક્ટોબરે એટલે કે આજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી.


આ પહેલા ભૂકંપે મચાવી હતી તબાહી
છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપના કેસોમાં વધારો થયો છે. આ મહિનામાં જ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી દીધી છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા આવેલા ભૂકંપમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશકારી ભૂકંપની તીવ્રતા 6.3 હતી. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે કુલ 9,000 લોકો ઘાયલ થયા છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હેરાત શહેરથી લગભગ 40 કિમી દૂર હતું.


તૂર્કી અને સીરિયામાં ભૂકંપે મચાવી હતી તબાહી 
આ સાથે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે તુર્કી અને સીરિયામાં તબાહી મચાવી દીધી હતી. તે સમયે ભૂકંપના કારણે 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપે તુર્કીને આર્થિક રીતે પણ નબળું પાડ્યું હતું. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતે સ્વીકાર્યું કે આ ભૂકંપના કારણે દેશને 104 અબજ ડોલરનું નુકસાન થયું છે. દેશને આની ભરપાઈ કરવામાં ઘણા વર્ષો લાગશે.