Iran Israel War:  ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયલને અમેરિકાએ પણ કડક સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ ઇઝરાયલને સમર્થન આપી રહ્યા છે, પરંતુ જો ઇઝરાયલ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.






G7 નેતાઓએ કહ્યું કે તેઓ હજુ પણ મધ્ય પૂર્વમાં રાજદ્વારી ઉકેલ માટે આશાવાદી છે. તેમને આશા છે કે આ સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. G7 નેતાઓએ બુધવારે મિડલ ઇસ્ટમાં સંકટ પર 'ગંભીર ચિંતા' વ્યક્ત કરી હતી પરંતુ કહ્યું હતું કે રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. જ્યોર્જિયા મેલોનીએ G7 ની અધ્યક્ષતા કરી હતી.


G7 નેતાઓએ કહ્યું કે યુદ્ધ કોઈના હિતમાં નથી અને રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. G7માં ઈટાલીની સાથે અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન ઈરાન પર નવા પ્રતિબંધો લાદવામાં સામેલ હતા.


યુદ્ધની અણી પર મિડલ ઇસ્ટ


ઈઝરાયલ પર હુમલો કરીને ઈરાને સમગ્ર મિડલ ઇસ્ટને મોટા યુદ્ધની અણી પર લાવી દીધું છે. આ દરમિયાન ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું છે કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. આ નિવેદન અત્યારે ખૂબ મહત્વનું છે કારણ કે મંગળવારે રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે ઈરાનને સીધો જવાબ આપ્યો નથી. પરંતુ આ પછી મોટા યુદ્ધનો ભય વધી ગયો છે. ઇટાલીના પીએમ મેલોની દ્વારા G7ની ઇમરજન્સી બેઠક બોલાવવામા આવી હતી.


ત્યારબાદ વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કર્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે જી7 નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં ઇરાનના ઇઝરાયલ પરના હુમલાના જવાબમાં નવા પ્રતિબંધો લગાવવા પર નિર્ણય લેવામાં આવ્યો હતો.  બાઇડને કહ્યું કે તે ઈરાની પરમાણુ સ્થળો પરના હુમલાને સમર્થન આપશે નહીં, કારણ કે ઈઝરાયલે બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું છે. તેમણે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદવાની પણ વાત કરી હતી.