Iran Israel war update: મધ્ય પૂર્વમાં માત્ર 24 કલાકની અંદર જ આખો માહોલ બદલાઈ ગયો છે. જમીન પર ચારેબાજુ વિનાશના દ્રશ્યો છે અને આકાશમાં બારૂદની ગંધ ફેલાયેલી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અચાનક ભડકેલા આ યુદ્ધે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પશ્ચિમ ઈરાનના તમામ એરપોર્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે અને ભારતીય નાગરિકોને કોઈપણ રીતે તાત્કાલિક ઈરાન છોડી દેવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે, અગાઉ ઈરાન સામે આકરું વલણ અપનાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ એકદમ લાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના જ સૌથી નજીકના મિત્ર અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હવે તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.

Continues below advertisement

કેવી રીતે શરૂ થયો આ નવો સંગ્રામ?

આ નવા યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાને પહેલાથી જ ચીમકી આપી રાખી હતી કે જો હિઝબુલ્લાહ પર હુમલો થશે તો તે ચૂપ નહીં બેસે. બસ, આ જ વાતનો બદલો લેવા ઈરાને ઈઝરાયલ પર 'ખૈબર શેકન' જેવી ખતરનાક મિસાઈલોનો વરસાદ કરી દીધો. ઈરાને પોતાની મિસાઈલો પર સ્પષ્ટ મેસેજ પણ લખ્યો હતો કે, "અમે લેબનોનને ક્યારેય એકલું નહીં છોડીએ." સોમવાર સવારથી જ આ સતત હુમલાઓને કારણે ઈઝરાયલમાં ખતરાની સાયરનો વાગી રહી છે અને લોકોમાં ભારે દહેશતનો માહોલ છે.

Continues below advertisement

તેહરાનમાં ઉજવણી અને તેલ અવીવમાં વિરોધ

એક તરફ ઈઝરાયલમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો રસ્તા પર ઉતરીને પોતાની સેનાના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે અને ઈઝરાયલ પરના હુમલાની ઉજવણી કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને છેવટે સોશિયલ મીડિયા પર શાંતિ અને યુદ્ધવિરામની અપીલ કરવી પડી છે.

પરંતુ ઈઝરાયલની અંદરનો માહોલ કંઈક અલગ જ છે. ત્યાંની જનતા હવે ખુદ પોતાની સરકારની જ સામે પડી ગઈ છે. તેલ અવીવના રસ્તાઓ પર હજારો લોકો ઉતરી આવ્યા છે અને વડાપ્રધાન નેતન્યાહૂ પાસે યુદ્ધ રોકવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ આવનારી પેઢીઓને આ વિનાશક યુદ્ધમાં ધકેલવા માંગતા નથી.

આ પણ વાંચોઃ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

શેરબજાર તૂટ્યું, દુનિયા પર આર્થિક સંકટનો ખતરો

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ તણાવે હવે મોટું સ્વરૂપ લઈ લીધું છે. 8 એપ્રિલે થયેલો કામચલાઉ યુદ્ધવિરામ પણ કોઈ કામમાં નથી આવ્યો. આ યુદ્ધની સીધી અસર હવે આખી દુનિયાના અર્થતંત્ર પર પડી રહી છે.

ઈરાન પાસે રણનીતિક રીતે મહત્વના 'હોર્મુઝ સ્ટ્રેટ' (જ્યાંથી દુનિયાના મોટાભાગના તેલનો સપ્લાય થાય છે) નો કંટ્રોલ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ભડકે બળ્યા છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે, જ્યાં સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ અને નિફ્ટી 250 પોઈન્ટ જેટલો કડડભૂસ થઈ ગયો છે. ડોલર સામે આપણો રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આખી દુનિયામાં મોંઘવારી બેફામ વધશે અને આર્થિક વિકાસ રુંધાઈ જશે.

હાલમાં તમામ રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. ઈરાને ભલે અત્યારે હુમલા રોકવાનો દાવો કર્યો હોય, પણ સ્પષ્ટ કહી દીધું છે કે જો લેબનોન પર ફરી હુમલો થશે તો આનો અંજામ ઘણો જ ભયંકર આવશે. હવે આખી દુનિયાની નજર એ વાત પર ટકેલી છે કે શું કોઈ મોટી ડીલ થશે કે પછી આ યુદ્ધ દુનિયાને મોટા સંકટમાં ધકેલી દેશે.

આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ