US attacks Iran radar stations: મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન સેનાએ ઈરાનના દરિયાકાંઠે આવેલા રડાર અને નિરીક્ષણ મથકો પર બોમ્બમારો કર્યો છે, જેનાથી ઈરાન લાલચોળ થઈ ગયું છે. આ હુમલાની અસર માત્ર ઈરાન પૂરતી સીમિત નથી રહી, પરંતુ કુવૈત અને બહેરીન જેવા પાડોશી ખાડી દેશોમાં પણ મિસાઈલો પડતા ભારે ગભરાહટ અને હોબાળો મચી ગયો છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો હવે વધુ મુશ્કેલ બની ગયા છે.
અમેરિકાએ શા માટે કર્યો હુમલો?
એક અમેરિકન અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમેરિકન સેનાને શંકા હતી કે 4 ઈરાની ડ્રોન હોર્મુઝ સમુદ્ર (સ્ટ્રેટ) વિસ્તારમાંથી પસાર થતા વેપારી જહાજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ખતરાને જોતા અમેરિકાએ પહેલા તો એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું. ત્યારબાદ, વધુ આક્રમક વલણ અપનાવતા અમેરિકાએ હોર્મુઝ સમુદ્રની સાવ નજીક આવેલા ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પરના રડાર સ્થાપનો પર સીધો હુમલો કરી દીધો હતો.
ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર
અમેરિકાના આ બોમ્બમારા બાદ ઈરાન ભડકી ઉઠ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ગત 8 એપ્રિલના રોજ થયેલા યુદ્ધવિરામ કરારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, "અમેરિકા વારંવાર આવા ઉલ્લંઘન કરીને સાબિત કરી રહ્યું છે કે તે તણાવ ઓછો કરવાના મૂડમાં જ નથી. આ ગેરકાયદેસર હુમલા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવા બદલ અમેરિકાને જવાબદાર ઠેરવવામાં આવશે."
આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
ખાડી દેશોમાં ફફડાટ: કુવૈતમાં મિસાઈલો અને બહેરીનમાં સાયરન
આ બે દેશોની લડાઈમાં આસપાસના દેશોનો શ્વાસ અદ્ધર થઈ ગયો છે:
કુવૈત: કુવૈતી સેનાએ દાવો કર્યો છે કે આજે વહેલી સવારે તેમના હવાઈ ક્ષેત્રમાં 7 બેલિસ્ટિક મિસાઈલો ઘૂસી આવી હતી. જોકે, સેનાએ તેને હવામાં જ તોડી પાડી હતી. આ મિસાઈલોનો કાટમાળ ઘણા રહેણાંક વિસ્તારોમાં પડવાથી મિલકતોને મોટું નુકસાન થયું છે, પણ સદનસીબે કોઈનો જીવ ગયો નથી.
બહેરીન: બહેરીનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં સાયરન વગાડીને લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
કુવૈત-બહેરીને કરી નિંદા, પાકિસ્તાનની એન્ટ્રી
કુવૈત અને બહેરીન બંને દેશોએ આ ઘટનાને નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવીને તેને 'ખુલ્લો હુમલો' કહી આકરી નિંદા કરી છે. અમેરિકન સેનાએ પણ પુષ્ટિ કરી છે કે મિસાઈલો તેના ટાર્ગેટ પર પહોંચે તે પહેલા જ તેને નષ્ટ કરી દેવાઈ હતી. આ બધા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે, અહેવાલો મુજબ પાકિસ્તાનના એક મંત્રી હાલ ઈરાનની મુલાકાતે પહોંચ્યા છે, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌની નજર મંડાયેલી છે.
