તેહરાન: ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે, તેમના દેશના 2.5 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ અનુમાન વ્યક્ત કર્યું કે, કોરોના વાયરસના પ્રકોપની શરૂઆતથી અત્યાર સુધી લગભગ અઢી કરોડ ઈરાની નાગરિક સંક્રમિત થઈ ચૂક્યા છે. રુહાનીના આ નિવેદનથી દેશના સત્તાવાર આંકડા સવાલોના ઘેરામાં છે.


રૂહાનીએ આટલી મોટી સંખ્યામાં સંક્રમણનું અનુમાન વ્યક્ત કરતા ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયને એક નવા અધ્યનનો હવાલો આપ્યો છે. તેમણે લોકોને મહામારીને ગંભીરતાથી લેવાનો અનુરોધ કર્યો છે. સાથે તેઓએ એ પણ કહ્યું કે, આગામી મહીનામાં લગભગ ત્રણથી સાડા ત્રણ કોરોડ લોકો કોરોનાગ્રસ્ત થઈ શકે છે.

રૂહાનીએ એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પણ પૂર્વાનુમાન છે કે, હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ જલ્દીજ બેગણી થઈ જશે, જેમ કે આપણે છેલ્લા 150 દિવસમાં જોયું છે.

ઈરાન પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસના પ્રકોપથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યાં અત્યાર સુધી 2,70,000 કેસ સામે આવ્યા છે અને 13,979 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાં છેલ્લા 24 કલાકમાં આવેલા સંક્રમણના નવા 2166 કેસ અને 188 મોત સામેલ છે.