નવી દિલ્હીઃ અમેરિકા દ્ધારા એરસ્ટ્રાઇકમાં ઇરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને  ઠાર માર્યા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. અમેરિકાએ ઇરાક-ઇરાન બોર્ડર પાસે બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે હુમલો કર્યો હતો. હવે બગદાદમાં સ્થિત અમેરિકી દૂતાવાસે પોતાના તમામ નાગરિકોને તરત ઇરાક છોડવા કહ્યું છે. બીજી તરફ ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વિટ કરી અમેરિકાને ચેતવણી આપી છે.


બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસે બગડતી સ્થિતિને જોતા શુક્રવારે બપોરે એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે. જેમાં આસપાસના તમામ અમેરિકન નાગરિકોને  પાછા અમેરિકા ફરવાની સલાહ આપી છે. નોંધનીય છે કે જનરલ કાસિમ સુલેમાની અને તેમના સાથી ગાડી પર જઇ રહ્યા હતા ત્યારે અમેરિકાએ ડ્રોનથી એરસ્ટ્રાઇક કરી તેની ગાડીઓને ઉડાવી હતી. જોકે, એરપોર્ટ પર હજુ પણ ફ્લાઇટની સુવિધા ચાલુ છે.