Iranian Actress Arrested: ઈરાનની પોલીસે એક પ્રખ્યાત અભિનેત્રીની ધરપકડ કરી છે. અભિનેત્રી પર જાહેરમાં પોતાનો હિજાબ ઉતારવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં હિજાબ ઉતારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. 52 વર્ષીય ફિલ્મ સ્ટારે પોતાનો હિજાબ ઉતારતો વીડિયો બનાવ્યો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
શનિવારે મોડી રાત્રે અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે "કદાચ આ મારી છેલ્લી પોસ્ટ હશે. આ ક્ષણથી, મારી સાથે જે પણ થાય છે, તે જાણી લો કે હંમેશાની જેમ.. હું મારા અંતિમ શ્વાસ સુધી ઈરાની લોકો સાથે છું. અભિનેત્રીનો વીડિયો શોપિંગ સ્ટ્રીટ જેવો દેખાય છે. વીડિયોમાં તમે જોઇ શકશો કે ગજિયાની એક પબ્લિક પ્લેસ પર હિજાબ વગર ઉભી છે અને પછી તે તેના વાળ બાંધતી જોવા મળી રહી છે.
વાસ્તવમાં ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે અને જાહેરમાં હિજાબ ઉતારવો ગુનો માનવામાં આવે છે. મહસા અમીનીના મૃત્યુ બાદ હજારો મહિલાઓએ હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જોકે, હવે અભિનેત્રી ઈરાની પોલીસની કસ્ટડીમાં છે.
મહસા અમીનીના મૃત્યુ પછી દેખાવો શરૂ થયા
ઈરાનમાં હિજાબ વિરુદ્ધ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કુર્દિશ મૂળની 22 વર્ષની મહિલા મહસા અમીનીના કસ્ટોડિયલ ડેથ બાદ દેશભરમાં વિરોધ શરૂ થયો હતો. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભડકાઉ સામગ્રી બદલ 8 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા હતા
ન્યાયતંત્રની મિઝાન ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ગજિયાની એ આઠ લોકોમાં સામેલ હતી જેમણે સોશિયલ મીડિયા પર ભડકાઉન પોસ્ટ કરી હતી અને તેઓને ફરિયાદીઓ દ્ધારા બોલાવવામાં આવી હતી. તેમાં તેહરાન ફૂટબોલ ટીમ પર્સેપોલિસ એફસીના કોચ યાહ્યા ગોલમોહમ્મદીનો સમાવેશ થાય છે જેમણે પીડિતોનો અવાજ નહી ઉઠાવવા બદલ ઈરાનની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની આકરી ટીકા કરી હતી.
ફિલ્મ કલાકારો પર ઈરાની સરકારની કાર્યવાહી
રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે કતારમાં રવિવારથી શરૂ થયેલા વર્લ્ડ કપ અગાઉ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સાથે મુલાકાત કરી હતી. મિઝાનમાં કહેવામાં આવ્યું છે કે મિત્ર હજ્જર અને બરન કોસરી સહિતના અન્ય અગ્રણી કલાકારોને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. ઈરાની અધિકારીઓ આ વિરોધને "હુલ્લડો" તરીકે વર્ણવે છે અને દેશના પશ્ચિમી દુશ્મનો પર તેમને ઉશ્કેરવાનો આરોપ મૂકે છે.