ઈરાકમાં અરાજકતાની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે શક્તિશાળી શિયા મુસ્લિમ ધર્મગુરુ મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સ્થિતિ વધુ તંગ બની હતી. મૌલવીના સમર્થકો અને ઈરાન દ્વારા સમર્થિત લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતોમાં તોડફોડ કરી છે. યુએસ એમ્બેસીના કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા ગ્રીન ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મૌલવીના સમર્થકોએ રિપબ્લિકન પેલેસના સ્વિમિંગ પૂલમાં મજા માણી હતી.
10 મહિનાથી કોઈ વડાપ્રધાન નથી
ઉલ્લેખનીય છે કે ઈરાકમાં છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન નથી. કેબિનેટ નથી અને સરકાર નથી. જેના કારણે રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે. જે રીતે શ્રીલંકામાં રાજકીય સંકટ પછી ટોળાએ સંસદને બંધક બનાવી લીધી હતી. હવે ઈરાકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે.
ગ્રીન ઝોનમાં પથ્થરમારો
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સોમવારે મૌલવીના રાજકારણ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી વધી અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકોની તેહરાન સમર્થિત લોકો સાથે અથડામણ થઈ હતી. બગદાદમાં ગ્રીન ઝોનની બહાર તેઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેતા લોકોના ઘર છે.
ધાર્મિક નેતાના સમર્થકો એક અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા હતા
મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય બગદાદમાં ગોળીબારનો અવાજ સંભળાયો. પોલીસ અને ડોક્ટરો તરફથી કહેવામાં આવ્યું છે કે અથડામણમાં 8 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિયા મૌલવીએ રાજકારણ છોડ્યા પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તેમની જાહેરાતના થોડા કલાકો પછી અથડામણ વધુ ઉગ્ર બન્યા હતા. શિયા મૌલવીના સમર્થકો ગ્રીન ઝોનમાં સ્થિત સંસદમાં એક અઠવાડિયાથી ધરણા કરી રહ્યા હતા. તેમના નેતાના રાજકારણ છોડવાની જાહેરાતની જાણ થતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
ઈરાકમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
હિંસક ઘટનાઓ બાદ ઈરાકની સેનાએ બપોરે 3.30 વાગ્યાથી દેશમાં કર્ફ્યુ લગાવી દીધો છે. આ સાથે વિરોધીઓને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઈરાકમાં નવી સરકારની રચનાને લઈને એક મહિનાથી મડાગાંઠ ચાલી રહી છે.
શિયા મૌલવી સદરે દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષ અને પ્રતિબંધોને દૂર કરવા અને સાંપ્રદાયિક સંઘર્ષ, પ્રચંડ ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલા ઇરાકમાં તેમના સમર્થકો સાથે આંદોલન કર્યું છે. ઇરાકી રાજનીતિ પર યુએસ અને ઈરાનના પ્રભાવનો વિરોધ કરીને સદરે દેશમાં વ્યાપક સમર્થન મેળવ્યું છે. સદર હવે વહેલી ચૂંટણી અને સંસદના વિસર્જનની માંગ કરી રહ્યા હતા.