Russian Hypersonic Avangard Missile : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસે વધુ વિકરાળ બની રહ્યું છે. આ યુદ્ધ હવે પરમાણું યુદ્ધ તરફ આગળ ધકેલાઈ રહ્યું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. તો બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ એક પછી એક ઘાતક હથિયારો મેદાનમાં ઉતારી રહ્યાં છે. હવે રશિયા રાષ્ટ્રપતિ પુતિનની સૌથી મનપસંદ મિસાઈલને યુદ્ધના મેદાનમાં ઉતારવા જઈ રહ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મિસાઈલનું નામ છે એવન્ગાર્ડ મિસાઈલ. તે રશિયાની સૌથી ખતરનાક મિસાઈલ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ફેવરિટ પણ છે. 


પુતિન તેને પશ્ચિમી દેશો માટે સૌથી ભયાનક ગણાવી રહ્યા છે. બ્રિટનના ધ સન અખબારના અહેવાલ પ્રમાણે પુતિન આ હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. અવન્ગાર્ડ મિસાઈલ એકવાર લોન્ચ કરવામાં આવે તો તે દુનિયાના કોઈપણ ખૂણાને નિશાન બનાવી શકે છે. સનના રિપોર્ટ અનુસાર, પુતિને આ મિસાઈલને પશ્ચિમી દેશો પર હુમલા માટે સાબદી કરી છે. જો પુતિન આ મિસાઈલ લોન્ચ કરશે તો પશ્ચિમી દેશોમાં એ હદે વિનાશ વેરાશે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.


આંખના પલકારામાં મચે છે તબાહી 


એવન્ગાર્ડ મિસાઈલ અવાજની ગતિ કરતા 27 ગણી એટલે કે 33,076 કિલોમીટર પ્રતિ કલાક છે. તે આંખના પલકારામાં જ દુશ્મનને નિશાન બનાવે છે. એવન્ગાર્ડ મિસાઈલનું વજન લગભગ 2000 કિલોગ્રામ છે. જો તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય અને હવામાં ભેજ ન હોય તો આ એવન્ગાર્ડ મિસાઈલ એક સેકન્ડમાં લગભગ 10 કિલોમીટરનું અંતર કાપી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ મિસાઈલની તૈનાતી સાથે તેમની સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2018માં કહ્યું હતું કે, આ મિસાઈલ અજેય છે. દુનિયાની કોઈપણ એન્ટી મિસાઈલ સિસ્ટમ તેનો સામનો કરવા સક્ષમ નથી.


માનવામાં આવી રહ્યું છે કે, આ મિસાઈલ ઓરેનબર્ગ ક્ષેત્રમાં અંડરગ્રાઉન્ડ લોન્ચ સિલો પર તૈનાત કરવામાં આવી રહી છે. મિસાઈલની સાથે હાઈપરસોનિક ગ્લાઈડ વાહન પણ છે. રશિયાનો દાવો છે કે, કોઈપણ ટાર્ગેટને નષ્ટ કર્યા બાદ આ મિસાઈલને માત્ર 30 મિનિટમાં જ પૃથ્વીના વાતાવરણની બહાર છોડી શકાય છે.


પુતિને કહ્યું કે... 


રશિયાની બીજી હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમની જેમ પુતિન ઘણીવાર કહી ચૂક્યા છે કે, જો આ મિસાઈલ લોન્ચ કરવામાં આવશે તો વિનાશને કોઈ રોકી શકશે નહીં. પુતિને થોડા દિવસ પહેલા જ હાઈપરસોનિક હથિયારોના ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું હતું કે, રશિયા 'ફર્સ્ટ સ્ટ્રાઈક' નીતિ અપનાવીને હાઈપરસોનિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પુતિનના મતે રશિયા દુશ્મનોનાથી કોઈ પણ પ્રકારના નુંકસાનથી બચવા માટે પહેલા પરમાણુ હુમલાની નીતિ અપનાવી શકે છે.


મિસાઈલની ઝડપ જ તેની તાકાત


20,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે એવગાર્ડ મિસાઇલને ત્રણ દિવસ બાદ તૈનાત કરવામાં આવી છે. તેમાં પુતિને નવા કાલુગા અને ટાવર પ્રદેશોમાં યાર્સ પરમાણુ મિસાઈલોની તૈનાતીનું પ્રદર્શન કર્યું છે. આ પહેલા પુતિને ઘણી ખતરનાક મિસાઈલો લોડ કરવાનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 7500 માઈલની રેન્જ ધરાવતી અને હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં 12 ગણી વધુ ખતરનાક ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલને પણ લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં પુતિનનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમને યાર્સ મિસાઈલ લોન્ચ કરતા બતાવવામાં આવ્યા હતા. આ એક મોક એટેક હતો જેમાં બ્રિટન અને અમેરિકાને નિશાન બનાવવામાં આવ્યા હતા.