Israel-Hamas War: ઇઝરાયલે મંગળવારે ફરી દક્ષિણ ગાઝાના પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં એક સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં મૃત્યુઆંક 27 પહોંચી ચૂક્યો છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ શાળાને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું હતું. ચાર દિવસમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ સતત ચોથો હુમલો છે. જોકે, આ હુમલા અંગે ઈઝરાયલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
નાસિર હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ હુમલો દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક અબાસનમાં અલ-અવદા સ્કૂલના ગેટ પર થયો હતો. હમાસ સંચાલિત પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલે અગાઉના ત્રણ હુમલાની જવાબદારી લીધી હતી. ઈઝરાયલે કહ્યું કે ત્રણેય હુમલાઓમાં શાળામાં છૂપાયેલા આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. જો કે, હમાસે ઇઝરાયલના દાવાને નકારી કાઢ્યા છે કે તે લશ્કરી હેતુઓ માટે શાળાઓ, હોસ્પિટલો અને અન્ય નાગરિક સુવિધાઓનો ઉપયોગ કરે છે.
નુસીરાતમાં ઈઝરાયલના હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા
શનિવારે ઇઝરાયલે મધ્ય ગાઝાના નુસીરાતમાં યુએન દ્વારા સંચાલિત અલ-જૌની શાળા પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWAએ જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલા સમયે 2,000 લોકો શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
બીજા દિવસે ગાઝા શહેરમાં ચર્ચ સંચાલિત હોલી ફેમિલી સ્કૂલને ઇઝરાયલી દળો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા. ઇઝરાયલે સોમવારે નુસીરાતમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત અન્ય શાળાને નિશાન બનાવી હતી. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક હોસ્પિટલે જણાવ્યું કે ઘણા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
યુદ્ધની શરૂઆત હમાસના ઈઝરાયલ પરના હુમલાથી થઈ હતી.
હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈઝરાયલની સેનાએ ગાઝામાં પેલેસ્ટિનિયન વિસ્તારને નિશાન બનાવ્યો હતો. યુદ્ધની શરૂઆત ઇઝરાયલી જવાબી કાર્યવાહીથી થઈ હતી અને ત્યારથી ગાઝામાં શાળાઓ અને અન્ય આશ્રયસ્થાનોમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે.