અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના હમાસના ઉલ્લંઘન બાદ ઇઝરાયલે ગાઝા પર બીજો હુમલો કર્યો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. IDF એ જણાવ્યું કે વડાપ્રધાન નેતન્યાહૂએ ઇઝરાયલી સૈન્યને ગાઝા પટ્ટીમાં તાત્કાલિક હુમલો શરૂ કરવાના આદેશ આપ્યા બાદ આ હુમલો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, ઇઝરાયલે ગાઝામાં હુમલો શરૂ કરવાના તેના નિર્ણયની અમેરિકાને જાણ કરી હતી. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું કે હમાસના આતંકવાદીઓએ પહેલા ઇઝરાયલી દળો પર હુમલો કર્યો હતો.
હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે
રાફા વિસ્તારમાં તૈનાત સૈનિકો પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) અને સ્નાઈપર ફાયરિંગ કરવામાં આવી હતી. હુમલા બાદ ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ચેતવણી આપી હતી કે હમાસે ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) ને નિશાન બનાવવા બદલ ભારે કિંમત ચૂકવવી પડશે. કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ તાકાતથી જવાબ આપશે.
મહિલાઓ અને બાળકો માર્યા ગયા
સંરક્ષણ પ્રધાનની ટિપ્પણીના થોડા સમય પછી ગાઝા સિવિલ ડિફેન્સે અહેવાલ આપ્યો કે ગાઝા શહેરના અલ-સબરા વિસ્તારમાં ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ અને એક પુરુષનું મોત થયું. દક્ષિણ શહેર ખાન યુનિસમાં બીજા હુમલામાં બે બાળકો અને એક મહિલા સહિત પાંચ લોકો માર્યા ગયા. દરમિયાન, અલ શિફા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. મોહમ્મદ અબુ સલમિયાએ જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં તબીબી સુવિધા નજીક ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલે સહમા પર તાજેતરમાં પરત કરવામાં આવેલા બંધકોના અવશેષોની ખોટી ઓળખ કરવાનો પણ આરોપ મૂક્યો છે, જેનો મૃતદેહ બે વર્ષ પહેલાં મળી આવ્યો હતો.
હમાસે ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી હતી. હમાસે ઇઝરાયલી સૈનિકો પરના હુમલાની જવાબદારી નકારી હતી પરંતુ યુદ્ધવિરામ જાળવવાની તેની પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટી કરી હતી. ઓક્ટોબર 2023માં શરૂ થયા પછી ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં ઓછામાં ઓછા 68,527 લોકો માર્યા ગયા છે અને 170,395 ઘાયલ થયા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલાઓ દરમિયાન ઇઝરાયલમાં કુલ 1,139 લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા.