Israel Gaza Attack: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલના સૈનિકો સતત આક્રમક બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે રાત્રે ઉત્તરી ગાઝા પટ્ટીમાં 750 લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા, જેમાં હમાસની ભૂગર્ભ સુરંગો, સૈન્ય પરિસરો, ચોકીઓ, સૈન્ય કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે.


બીબીસીના રિપોર્ટ અનુસાર, ઈઝરાયલે કહ્યું છે કે તેણે ગાઝા પર અત્યાર સુધીમાં છ હજાર બોમ્બ ફેંક્યા છે, જેનું કુલ વજન ચાર હજાર ટન છે. છેલ્લા છ દિવસ દરમિયાન ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર આ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું છે કે અત્યાર સુધીમાં તેણે ગાઝામાં 3600 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ગત રાત્રે સેનાએ ગાઝા પટ્ટીમાં 750 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.


હમાસે ઇઝરાયલના 150 લોકોને બંધક બનાવ્યા હતા


બીજી તરફ પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલના બોમ્બમારામાં અત્યાર સુધીમાં 1,537 લોકોના મોત થયા છે, જેમાં 500 બાળકો અને 276 મહિલાઓ છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઇઝરાયલના 1300 લોકોના મોત થયા છે. હમાસે લગભગ ઇઝરાયલના 150 નાગરિકોને બંધક બનાવ્યા છે. યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે 4.23 લાખ પેલેસ્ટિનિયનો બેઘર થઈ ગયા છે. ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર હેઠળ ચાલતી 92 શાળાઓમાં લગભગ 2.18 લાખ લોકોએ આશ્રય લીધો છે.


WHO ગાઝાને લઈને ચિંતિત


ગાઝાની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે ગાઝાની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે ગાઝાની હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. આ સાથે રેડ ક્રોસે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે અહીંની હોસ્પિટલો ટૂંક સમયમાં શબઘરમાં ફેરવાઈ જશે. વાસ્તવમાં, હોસ્પિટલોમાં દવા પુરવઠો, ઇંધણ, પાણી અને સ્ટાફની અછત છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં આવી સ્થિતિ સર્જાઈ શકે છે.


ઈઝરાયલે ગાઝાને ખાલી કરવાનો આદેશ આપ્યો


ઈઝરાયલની સેનાએ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે વાડી ગાઝામાં રહેતા 11 લાખ લોકોને આગામી 24 કલાકમાં દક્ષિણ ગાઝામાં ખસેડવામાં આવે. સેનાના અધિકારીઓએ કહ્યું છે કે જ્યારે બીજી જાહેરાત કરવામાં આવશે ત્યારે જ તમે ગાઝા શહેરમાં પાછા ફરશો. જોકે, સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ તેને અશક્ય ગણાવ્યું છે. એવું પણ કહેવાય છે કે આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. આ ગાઝાની અડધી વસ્તી છે. ઈઝરાયલે આ આદેશ પાછો લેવો જોઈએ.