PM Modi Benjamin Netanyahu Talks: હમાસ દ્વારા હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નેતન્યાહુએ ફોન કર્યો હતો અને આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ.


પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, "મને ફોન કરીને પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું." ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની સખત નિંદા કરે છે.


પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો


પીએમ મોદીએ અગાઉ 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પરના રોકેટ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે શનિવારે ટ્વીટર પર લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.




અત્યારે શું સ્થિતિ છે?


સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં વધારો કર્યો છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં 680 થી વધુ લોકો માર્યા ગયા છે અને 3,700 થી વધુ ઘાયલ થયા છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં 900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન યુદ્ધની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ યુદ્ધની અસર સુરતના હીરા બજાર પર પડી હતી. ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે સુરતમાં હીરા બજારમાં 10 હજાર કરોડનો વેપાર ઠપ થયો હતો. હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. ઈઝરાઈલ સાથે સુરત હીરા બજારમાં સીધું સંકળાયેલ છે.સુરતના હીરા બજારમાં મંદીના કારણે શનિવાર અને રવિવારે રજા આપવામાં આવી રહી છે. દિવાળીમાં હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સુરતના હીરા બજાર પર માઠી અસર થઇ હતી. નોંધનીય છે કે ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. વેપારની આયાત-નિકાસ પણ ખૂબ વધી રહી છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ 5 બિલિયન ડૉલર હતો, જે વધીને 7.5 બિલિયન ડૉલર થઈ ગયો છે.


ભારતથી ઇઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને પરિવહન સાધનો, કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલથી ભારતમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, રાસાયણિક અને ખનિજ/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ તેલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે.