Israel Gaza War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને લઇને દુનિયાના અલગ અલગ દેશોમાથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, હવે પાકિસ્તાને ભારત પર આ મામલે નિશાન તાક્યુ છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ સાથે સફદરે ઈઝરાયેલને પરમાણુ બૉમ્બની ધમકી પણ આપી છે.


કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે જો મુસ્લિમો જેહાદ નહીં કરે તો અપમાન તેમની રાહ જોશે, જો મુસ્લિમો જેહાદ માટે તૈયાર નહીં હોય તો તેમને અપમાનનો સામનો કરવો પડશે. તેણે આગળ કહ્યું, 'મુસ્લિમો, જેહાદ માટે તૈયાર રહો. ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહો.






પરમાણું બૉમ્બને લઇને આપી ધમકી 
સફદરે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બૉમ્બ બધા મુસ્લિમોના છે. આ દરમિયાન તેણે કાશ્મીર અને પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ગાઝામાં બાળકો અને મહિલાઓના મૃતદેહો નાંખવામાં આવી રહ્યા છે. તેણે નવાઝ શરીફના નિવેદનને ટાંક્યું, જેમાં તેણે કાશ્મીરને લઈને પરમાણુ બૉમ્બ ધમકી આપી હતી. સફદરે ભીડને જેહાદ માટે તૈયાર રહેવા કહ્યું. આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે, ગાઝાના મુસ્લિમોને કહો કે અમે તમારી સાથે છીએ.


ગાઝા પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં પાકિસ્તાની કટ્ટરપંથી પક્ષ જમિયત-એ-ઉલામા ઈસ્લામ દ્વારા કેપ્ટન સફદરે જે રેલીમાં સંબોધન કર્યું હતું અને ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે, આ પહેલા તેમની પાર્ટી PML-Nએ તેમના સ્વાગત માટે રેલીઓનો રાઉન્ડ શરૂ કર્યો છે.