Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 10મા દિવસે પણ હવાઈ હુમલા, બોમ્બ ધડાકા, રોકેટ અને સાયરનનો અવાજ સતત ગુંજતો રહ્યો. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને બંને પક્ષો દ્વારા આપવામાં આવી રહેલી ધમકીઓને કારણે હુમલા અને મૃત્યુની સંખ્યામાં વધુ વધારો થશે તે નિશ્ચિત છે. આ દરમિયાન, ગાઝામાં લાખો લોકોની સામે પાણી, ખોરાક, દવા અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોનું સંકટ ઊભુ થયું છે.


બીબીસીના અહેવાલ મુજબ, રાત્રે લગભગ 9 વાગે હમાસે દાવો કર્યો હતો કે તેણે ઇઝરાયેલના તેલ અવીવ અને જેરુસલેમ પર મિસાઇલો છોડી હતી. આ હુમલા અલ કાસિમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા. એક નિવેદનમાં તેણે કહ્યું કે આ હુમલા ઇઝરાયલી નાગરિકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેલ અવીવ અને જેરુસલેમમાં હાજર પત્રકારોએ જણાવ્યું કે સતત સાયરનનો અવાજ સંભળાતો હતો.



કેટલા લોકોએ જીવ ગુમાવ્યા ?


અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં થયેલા હુમલામાં લગભગ 1400 લોકોના મોત થયા છે અને 3500 લોકો ઘાયલ થયા છે. જ્યારે ગાઝામાં 2800 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 11 હજાર લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલના હુમલાને કારણે 1000થી વધુ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.


બીબીસીના અહેવાલ મુજબ ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું છે કે હમાસના જનરલ ઈન્ટેલિજન્સ ચીફ હવાઈ હુમલામાં માર્યા ગયા છે.


એન્ટોની બ્લિન્કનની મુલાકાત


આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઈઝરાયેલની મુલાકાતે પહોંચ્યા છે. એક અઠવાડિયામાં આ તેમની બીજી મુલાકાત છે. એવા પણ સમાચાર છે કે ટૂંક સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ઈઝરાયેલની મુલાકાત લેશે.


બ્લિંકને તેલ અવીવમાં અધિકારીઓને મળ્યા ત્યારે નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય લોકો સાથેના પ્રયાસોની ચર્ચા કરી. તેણે એમ પણ કહ્યું કે તે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લગભગ 200 લોકોને બચાવવાના પ્રયાસોમાં મદદ કરશે.


પુતિને ઘણા દેશોનો સંપર્ક કર્યો


બાઈડેનની ઈઝરાયેલની સંભવિત મુલાકાત પહેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ઈઝરાયેલ, ઈરાન, ઈજીપ્ત, સીરિયા અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત કરી હતી.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial