Israel Hamas War: છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભીષણ અને ભયાનક બની રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક રૂપ લઇ રહ્યું છે. હાલમાં જ રિપોર્ટ છે કે, ઇઝરાયેલની સેના ગાઝામાં ઘૂસી છે, અને ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ખાસ વાત છે કે, ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) ગાઝા પટ્ટીમાં સતત હવાઈ હુમલાઓ કરી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત ગુરુવારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 500 લોકો માર્યા ગયા હતા. 


હાલમાં મળી રહેલા તાજા રિપોર્ટ અનુસાર, ગાઝા પર પુરી તાકાતથી એટેક કરવા માટે ઇઝરાયેલી સેના તૈયાર થઇ ગઇ છે. હજારોની સંખ્યામાં ઇઝરાયેલી સૈનિકો ગાઝામાં ઘૂસી ગયા છે અને ગમે તે સમયે હુમલો કરી શકે છે. ઇઝરાયેલના પોલીસ પ્રધાન બેન ગ્વીર હમાસ સામે લડવા માટે દક્ષિણ ઇઝરાયેલના શહેર એશકેલોનમાં રહેતા લોકોને હથિયારો અને શસ્ત્રોનું વિતરણ કરી રહ્યા છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર ઇઝરાયેલમાં લોકોએ હથિયાર લાયસન્સ માટે મોટી સંખ્યામાં અરજીઓ સબમિટ કરી છે.


ઇઝરાયેલે ખુલાસો કર્યો કે હમાસનું મુખ્યાલય ગાઝાની સૌથી મોટી હૉસ્પીટલની નીચે સ્થિત છે. આ યુદ્ધ અપરાધ છે. ઈઝરાયેલે કહ્યું કે હમાસને પેલેસ્ટાઈનના જીવનની કોઈ પરવા નથી. તે ફક્ત ઇઝરાયેલનો નાશ કરવાની જ ચિંતા કરે છે


ગાઝા પટ્ટીના રહેવાસીઓનું કહેવું છે કે ઈઝરાયેલે ગઈકાલે રાત્રે તેનો સૌથી ખતરનાક હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા છેલ્લા 21 દિવસમાં કરવામાં આવેલા હુમલા કરતા વધુ ઘાતક હતા. ગાઝા પટ્ટીના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પૂર્વી ગાઝામાં ખાસ કરીને ઉત્તરીય વિસ્તારમાં જબાલિયા શરણાર્થી શિબિરથી લઈને બીત લાહિયા અને બીત હનુન સુધી સતત બોમ્બમારો થઈ રહ્યો છે.






ઈરાનની સેના 2 દિવસથી યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ માટે તેણે લગભગ 200 હેલિકોપ્ટરની મદદથી દાવપેચમાં ભાગ લીધો હતો. અમેરિકાના હુમલા બાદ ઈરાને આ કવાયત કરી છે.


યૂનાઇટેડ કિંગડમમાં પેલેસ્ટિનિયન મિશનના વડા હુસમ જોમલોટે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોબાઇલ સેવા ખોરવાઈ જવાને કારણે તેઓ ગાઝામાં તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શક્યા નથી. ઝોમલોટે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે હું કલાકોથી ગાઝામાં મારા પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ સફળતા મળી નથી.