Israel Hamas War: હમાસ સામેની લડાઈમાં સામેલ ભારતીય મૂળના ઈઝરાયલી સૈનિકનું મૃત્યુ થયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, દક્ષિણ ઈઝરાયલના શહેર ડિમોનાના મેયર બેની બિટ્ટને બુધવારે (1 નવેમ્બર) આ માહિતી આપી હતી. મેયરે કહ્યું કે ગાઝામાં લડાઈ દરમિયાન માર્યા ગયેલા ઈઝરાયલી લડવૈયાઓમાં 20 વર્ષીય ભારતીય મૂળનો ઈઝરાયલી સૈનિક પણ સામેલ હતો. તેણે કહ્યું કે સ્ટાફ-સાર્જન્ટ હલેલ સોલોમન ડિમોનાનો હતો. બેની બિટ્ટને બુધવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ખૂબ ખેદ અને દુખ સાથે અમે ગાઝાના યુદ્ધમાં ડિમોનાના પુત્ર હેલેલ સોલોમનના મૃત્યુની ઘોષણા કરીએ છીએ."


ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી સતત મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળની 3 યુવતીઓનું પણ મોત થયું છે. બે યુવતીઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નો ભાગ હતી જ્યારે ત્રીજી વિશે હજુ સુધી નક્કર માહિતી મળી નથી. IDF તરફથી હમાસ આતંકવાદીઓ સામે લડતી વખતે બે યુવતીઓ શહીદ થઈ હતી. જ્યારે ત્રીજી યુવતી વિશે વધુ વિગતો મળી શકી નથી. ત્રણેય મહારાષ્ટ્રના ભારતીય યહૂદી સમુદાય સાથે સંબંધ ધરાવતી હતી



એક યુવતી ઈઝરાયેલની સેનામાં ઓફિસર હતી


એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, ઇઝરાયેલની સેનામાં સામેલ એક છોકરીનું નામ ઓર મોઝેસ છે, જે ઇઝરાયેલની સેનામાં ઓફિસર હતી. તે હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક જિકિમમાં શહીદ થઇ હતી આ સિવાય હમાસ સાથે લડતી વખતે શહીદ થયેલી બીજી યુવતીનું નામ કિમ ડોકરકર છે. તે ઈઝરાયેલ બોર્ડર ગાર્ડ પોલીસમાં ઓફિસર હતી. તે પણ હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક મૃત્યુ પામી છે. જ્યારે ત્રીજી મૃતક યુવતીની વિગતો હજુ જાણવા મળી નથી.


ઈઝરાયેલ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનાત બર્નસ્ટીન-રીચે આ છોકરીઓના પરિવારો સાથે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય મૃતક યુવતીઓના પરિવારજનો ભારતથી ઈઝરાયલ આવ્યા હતા અને તેઓને અહીં Bene Israel તરીકે ઓળખાય છે.


આતંકવાદી સંગઠન હમાસનો વધુ એક કમાન્ડર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. જેની ઓળખ બિલાલ અલ કેદરા તરીકે થઈ છે. બિલાલ અલ-કેદરા હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો. નુખ્બા ફોર્સ હમાસની નૌકાદળનું વિશેષ દળ એકમ છે. ઇઝરાયેલની વાયુસેનાએ એક નિવેદન જાહેર કર્યું કે,તેમને બાતમી મળી હતી કે બિલાલ અલ-કેદરા દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં હાજર છે. ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું કે, ગુપ્તચર માહિતીને પગલે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બિલાલ અલ-કેદરાનો ખાતમો થયો છે.  ઈઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેના હુમલામાં હમાસના અન્ય ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ઇઝરાયલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને પેલેસ્ટાઈનનો ઓસામા બિન લાદેન ગણાવ્યો હતો.ઈઝરાયેલની સેનાના મતે યાહ્યા સિનવાર દેશના ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.