Israel Hamas War: ગાઝા પટ્ટીમાં યુદ્ધ દરમિયાન 34 વર્ષીય ભારતીય મૂળના ઇઝરાયલી સૈનિકનું મૃત્યુ થયું હતું. અશડોડના માસ્ટર સાર્જન્ટ ગિલ ડેનિયલનું મંગળવારે ગાઝામાં મોત થયું હતું. બુધવારે તેમના વતન સૈન્ય કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઇઝરાયલના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા બે સૈનિકોમાં ગિલ એક હતો.


ઈન્ડિયન જ્યુઈશ હેરિટેજ સેન્ટરે કહ્યું હતું કે  'ઈઝરાયલે આ યુદ્ધમાં તેના ઘણા સૈનિકો ગુમાવ્યા. પુત્રો અને પુત્રીઓ આગળ આવ્યા અને બધા ઇઝરાયલના સંરક્ષણમાં ભાગ લીધો. અમે અમારા અન્ય સૈનિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ. યુદ્ધની શરૂઆત પછી ગિલ 10 ઓક્ટોબરના રોજ યુદ્ધમાં સામેલ થયો હતો.                              


સગાઈ એક મહિના પહેલા થઈ હતી


ગિલ ડેનિયલના મિત્રએ જણાવ્યું કે તેની (ગિલ) સગાઈ એક મહિના પહેલા જ થઈ હતી. તેમણે ગિલના નિધનને મોટી ખોટ ગણાવી છે. ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ ઈઝરાયલના 86 સૈનિકો માર્યા ગયા છે. 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં થયેલા હુમલા બાદ ભારતીય મૂળના ચાર સૈનિકો માર્યા ગયા છે.


ગિલ ડેનિયલ જોએલ અને મઝાલનો પુત્ર હતો. ઇઝરાયેલ સમુદાયના સભ્ય ગિલ ડેનિયલ ભારતના મહારાષ્ટ્રનો છે. દરમિયાન ઇઝરાયલી સૈનિકોએ બુધવારે ગાઝા પટ્ટીના બીજા સૌથી મોટા શહેર રફાહના કેન્દ્રમાં હમાસના આતંકવાદીઓને નિશાન બનાવીને હુમલાઓ શરૂ કર્યા હતા. ઈઝરાયલની સેનાએ આ જાણકારી આપી છે.                             


આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથોએ દાવો કર્યો છે કે લગભગ બે મહિના પહેલા દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા બે હુમલા સ્પષ્ટ રીતે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યા હતા અને તે નાગરિકો પર સીધો હુમલો હતો. આ હુમલાઓમાં બ્રિટિશ સમાચાર એજન્સી રોઈટર્સના એક વીડિયોગ્રાફરનું મોત થયું હતું અને અન્ય છ પત્રકારો ઘાયલ થયા હતા. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને માનવાધિકાર દેખરેખ જૂથોએ કહ્યું કે ઈઝરાયેલના હુમલાઓની યુદ્ધ અપરાધ તરીકે તપાસ થવી જોઈએ.