Israel-Hamas War: છેલ્લા એક મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, અને હવે આ યુદ્ધ દિવસેને દિવસે નવા નવા વળાંક લઇ રહ્યું છે. આ યુદ્ધમાં ઇઝરાયેલ પર હુમલો કરવા માટે વ્યૂહાત્મક નીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ઈરાનમાં એક જૂથે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે આત્મઘાતી બૉમ્બર બનવા માટે નોકરીની જાહેરાત પૉસ્ટ કરી છે. આ અજીબોગરીબ ભરતીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આત્મઘાતી બૉમ્બર બનવા માટે નોકરીની જાહેરાત કરનાર જૂથનું નામ હિઝબુલ્લાહ છે. જોકે, તે લેબનોનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહથી અલગ છે. આ ભરતીની જાહેરાત એવા સમયે મુકવામાં આવી છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ભીષણ થઇ રહ્યું છે.


ડેઈલી એક્સપ્રેસ અનુસાર, આત્મઘાતી બૉમ્બર બનવાની જાહેરાત મશહાદ શહેરમાં લગાવવામાં આવી છે, જે શિયા ઈસ્લામના પવિત્ર સ્થળોમાંથી એક છે. આ જાહેરાતો પૉસ્ટરના રૂપમાં શેરીઓમાં ચોંટાડવામાં આવી છે. જેમ અન્ય નોકરીમાં અંગત વિગતો માંગવામાં આવે છે, તેવી જ રીતે આ નોકરી માટે પણ વ્યક્તિગત માહિતી માંગવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે યુવાનોને પેલેસ્ટાઈન માટે શહીદ થનાર વિશેષ બટાલિયનમાં સામેલ થવાની તક છે.


ભરતીની જાહેરાતમાં શું કહેવામાં આવ્યું ? 
નોકરીઓની જાહેરાતના પૉસ્ટરોએ જાહેરાત કરી છે કે હવે જેહાદનો સમય આવી ગયો છે. આત્મઘાતી બૉમ્બર તરીકે જૂથમાં જોડાનારા યુવાનોને તેમના હુમલાને અંજામ આપવા માટે તેઓ શું ઉપયોગ કરવા માગે છે તેનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. તેઓને હુમલા માટે મૉટરસાઇકલ અને કાર વચ્ચે પસંદગી કરવાનો ઓપ્શન મળ્યો. જૂથના અન્ય પૉસ્ટરમાં લડવૈયાઓ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં જતા અને ઈરાની ધ્વજ લહેરાવતા જોઈ શકાય છે.


હમાસ અને ઇસ્લામિક જેહાદને મળે છે ઇરાનનો સપોર્ટ 
અલ-અક્સા મસ્જિદ હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહી છે. આ મસ્જિદને લઈને આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો પણ તંગ છે. અલ-અક્સા મસ્જિદ ઇસ્લામના પવિત્ર સ્થળોમાંનું એક છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ પેલેસ્ટાઇનના સુન્ની ઉગ્રવાદી જૂથો છે. તેમને ઈરાન તરફથી સમર્થન મળી રહ્યું છે. ઈરાન તેમને શસ્ત્રો, તાલીમ અને આર્થિક મદદ કરી રહ્યું છે. મશહાદ શહેરના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે પૉસ્ટર લગાવવામાં આવ્યા બાદથી અહીં લોકોમાં તણાવનું વાતાવરણ છે.