Israel-Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ પૂર્ણ થાય તે અગાઉ કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે.
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ગાઝા પટ્ટી પર માનવતાવાદી યુદ્ધવિરામને લંબાવવા માટે સમજૂતી થઈ છે. હવે તેને વધુ બે દિવસ માટે લંબાવવામાં આવી રહ્યો છે.
બે દિવસીય યુદ્ધવિરામ પર હમાસે શું કહ્યું?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇજિપ્તની સાથે કતાર મુખ્ય મધ્યસ્થી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં હમાસે કહ્યું કે તે કતાર અને ઇજિપ્ત સાથે અગાઉના ચાર દિવસીય યુદ્ધવિરામની જેમ જ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામના બે દિવસ લંબાવવા માટે સહમત છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ અહેવાલ અનુસાર હમાસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું હતું કે "કતાર અને ઈજિપ્ત અસ્થાયી માનવતાવાદી યુદ્ધવિરામને વધુ બે દિવસ લંબાવવા માટે સહમત થયા છે. આમાં પણ અગાઉના યુદ્ધવિરામ જેવી જ શરતો હશે."
ઈઝરાયલે 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા
ઇઝરાયલ અને હમાસ બંધકો અંગેની ચોથી ડીલની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા રવિવારે હમાસે વધુ 17 બંધકોને મુક્ત કર્યા હતા. જેમાં 14 ઈઝરાયલ અને ત્રણ થાઈલેન્ડના બંધકોનો સમાવેશ થાય છે. બદલામાં ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા.
યુદ્ધમાં 15,000 થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા
નોંધનીય છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકો છે, જ્યારે ઈઝરાયલમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે.