ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ભીષણ બની રહ્યું છે જેના કારણે મિડલ ઇસ્ટમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનાનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે.






બેરૂતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનાનની મુસાફરી ન કરે. લેબનાનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનાન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેઓ પોતાની ગતિવિધિઓ સિમિત કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહવાની સલાહ આપવામાં આવે છે


ઇઝરાયલના બોમ્બ ધડાકામાં 580 થી વધુ લોકોના મોત


હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયલ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયલના બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને 'નરસંહાર' ગણાવ્યો છે.


ઈઝરાયલ હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે


ઇઝરાયલની સેના લેબનાનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ઘણા મહિનાઓથી હુમલાઓ કરી રહી હતી. પરંતુ 17 સપ્ટેમ્બરે ઈઝરાયલે તેના લોકોને પાછા ફરવા કહ્યું. ત્યારથી એવું લાગતું હતું કે ઇઝરાયલ લેબનાનમાં એક મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના આતંકીઓ વાતચીત કરવા માટે જે પેજર્સનો ઉપયોગ કરી રહ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.


બીજા જ દિવસે વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટ થયા જેના પરિણામે ડઝનેક લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલી સેનાએ લેબનાનમાં વિવિધ સ્થળોએ હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો. 20 સપ્ટેમ્બરે ઇઝરાયલે બેરૂતમાં મોટો હુમલો કર્યો. આ હુમલો હિઝબુલ્લાહના રદવાન યુનિટ પર થયો હતો.


ઈઝરાયલે આ હુમલામાં હિઝબુલ્લાહના 10 કમાન્ડરોને માર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે ઈઝરાયલે બે દાયકામાં સૌથી ખતરનાક હુમલો કર્યો હતો. દક્ષિણ લેબનાનમાં ઇઝરાયલી સેનાએ હુમલો કર્યો. આ હુમલામાં અત્યાર સુધીમાં 580થી વધુ લોકો માર્યા ગયા છે.