ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ઇઝરાલે વેસ્ટ બેન્કમાં હુમલો કર્યો છે જેમાં નવ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ઈઝરાયલે તેમને પેલેસ્ટાઈનના ફાઇટર્સ ગણાવ્યા હતા. પેલેસ્ટિનિયન ઓથોરિટીએ કહ્યું કે ઇઝરાયલી દળોએ જેનિન અને તુલકેરેમ પર હેલિકોપ્ટર અને ડ્રોન હુમલા કર્યા હતા. તાજેતરના મહિનાઓમાં વેસ્ટ બેન્ક પર થયેલો મોટો હુમલામાંનો એક ગણાવ્યો હતો. આ સાથે સીરિયા-લેબનોન બોર્ડર પર ઈઝરાયલના હુમલામાં ચાર લોકોના પણ મોત થયા છે.






બીજી તરફ ગાઝામાં યુદ્ધવિરામને લઈને બુધવારે દોહામાં શાંતિ મંત્રણા માટે અમેરિકા, ઈજિપ્ત, કતાર અને ઈઝરાયલના મધ્યસ્થીઓ ફરી મળવાના અહેવાલ છે. આ અંગે વધુ વિગતો જાણવા મળી નથી. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ જણાવ્યું હતું કે સેનાની મોટી ટુકડી જેનિનના આતંકવાદીઓના ગઢમાં પ્રવેશી હતી. આ સાથે તુલકેરેમ અને અલ-ફારા શરણાર્થી શિબિરોને કોર્ડન કરી લેવામાં આવી છે. આ તમામ ઉત્તર વેસ્ટ બેન્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં માર્યા ગયેલા તમામ નવ હમાસના આતંકીઓ હતા, જેમાં જેનિનમાં બે, તુલકરેમમાં ત્રણ અને અલ-ફારસામાં ચારના મોતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરોડામાં પાંચ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.


આ મોટા ઓપરેશનનો હેતુ ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષા કરવાનો છે. પેલેસ્ટિનિયના ફાઇટર્સે કહ્યું કે તેઓ પણ ઇઝરાયેલની સેનાને સતત જવાબ આપી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ગાઝાની અંદર 25 વર્ષમાં પોલિયોના પ્રથમ કેસની પુષ્ટી થઇ છે.


વેસ્ટ બેન્કમાં અત્યાર સુધીમાં 652 પેલેસ્ટિનિયન માર્યા ગયા


10 મહિનાના ગાઝા યુદ્ધમાં વેસ્ટ બેન્કમાં 652 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે મૃત પેલેસ્ટિનિયનોની કુલ સંખ્યા 40,534 પર પહોંચી ગઈ છે. ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે ઇરાન સમર્થિત આતંકવાદી જૂથ ઇસ્લામિક જેહાદનો મહત્વપૂર્ણ સભ્ય ફારિસ કાસિમ સીરિયા-લેબનોન સરહદ પર કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો છે. તે સીરિયા અને લેબનોનથી ઇઝરાયલ સામેના ઓપરેશન માટે જવાબદાર હતો. પેલેસ્ટિનિયન અધિકારીઓએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલ તરફ જતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયન ઓથોરિટીએ હુમલાની નિંદા કરી છે અને યુએસ પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.


ઇઝરાયેલ અને લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે રવિવારે સવારે ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. હિઝબુલ્લાએ રવિવારે સવારે ઇઝરાયેલ પર સેંકડો રોકેટ વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયેલે તેના 100 ફાઇટર જેટ આકાશમાં છોડ્યા હતા. હિઝબુલ્લાહે કહ્યું છે કે, તેણે જુલાઇના અંતમાં બેરૂતમાં તેના કમાન્ડર ફૌઆદ શુકરની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓને જાણ થઈ ગઈ હતી કે હિઝબુલ્લાહ તેલ અવીવ અને મધ્ય ઇઝરાયેલ વિસ્તારોમાં વર્તમાન યુદ્ધની સૌથી મોટી આક્રમણ શરૂ કરવાની છે. ત્યારબાદ IDF એ સવારે 5 વાગ્યાની આસપાસ હિઝબુલ્લાહની જગ્યાઓ પર હુમલો કર્યો, જ્યાં ઉગ્રવાદી જૂથ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું