Israel Palestine Conflict: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ 20મા દિવસે પણ ચાલુ છે. ઇઝરાયલ ગાઝામાં હમાસ વિરૂદ્ધ વ્યાપક ભૂમિ અભિયાનની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે ગાઝામાં આખી રાત દરોડા પાડ્યા છે. યુદ્ધને કારણે અત્યાર સુધીમાં બંને પક્ષોના 8,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિએ ખુલાસો કર્યો છે કે હમાસે ઈઝરાયેલ પર શા માટે હુમલો કર્યો. 


બીબીસીના અહેવાલ મુજબ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ ટેન્કનો ઉપયોગ કરીને ઉત્તરી ગાઝામાં રાતોરાત લક્ષિત દરોડા પાડ્યા હતા. અહેવાલો દાવો કરી રહ્યા છે કે ઇઝરાયેલ ગાઝામાં હમાસના લક્ષ્યોને નષ્ટ કરવા માટે મોટા પાયે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી શકે છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી જમીની આક્રમણ શરૂ કર્યું નથી, પરંતુ તેણે કહ્યું છે કે, ઉત્તરી ગાઝામાં રાતોરાત હુમલો તેના યુદ્ધના આગલા તબક્કાની તૈયારીમાં હતો.


IDF મુજબ, કલાકો સુધી ચાલેલા દરોડામાં ઘણા આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ઇઝરાયલે કહ્યું છે કે, તેણે છેલ્લા 24 કલાકમાં હમાસના 250 ટાર્ગેટને એરસ્ટ્રાઇક્સ દ્વારા નિશાન બનાવ્યા હતા, જેમાં ટનલ અને રોકેટ લોન્ચરનો સમાવેશ થાય છે.


અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે?


ગાઝાના આરોગ્ય મંત્રાલય, જે હમાસ દ્વારા સંચાલિત છે, તેમણે જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયેલી હુમલામાં 500 લોકો માર્યા ગયા હતા, જે ઇઝરાયેલે હવાઈ હુમલા શરૂ કર્યા ત્યારથી કુલ સંખ્યા 7,000 પર પહોંચી ગઈ છે. ઈઝરાયલના હુમલામાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 7,028 હોવાનું કહેવાય છે. અલ જઝીરાએ તેના અહેવાલમાં પેલેસ્ટિનિયન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝામાં જીવ ગુમાવનારાઓમાં લગભગ 3,000 બાળકો પણ સામેલ છે. તો બીજી તરફ, ઇઝરાયલમાં હમાસના હુમલામાં 1,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ગાઝામાં 220 થી વધુ લોકો હજુ પણ બંધક છે. આ દરમિયાન તુર્કીએ પ્રતિક્રિયા આપી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગાઝા પર ઈઝરાયલના હુમલાને 'બર્બર' ગણાવ્યા છે. બીજી તરફ, પેલેસ્ટિનિયનો માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું છે કે તેને બુધવારે (25 ઓક્ટોબર) વધુ ઈંધણ મળ્યું છે અને સાથે જ ચેતવણી પણ આપી છે કે સમગ્ર ગાઝામાં પુરવઠો ઘટી રહ્યો છે.


ઇઝરાયેલના હુમલામાં 50 બંધકો માર્યા ગયા-હમાસ


અલ જઝીરા અનુસાર, હમાસની સૈન્ય શાખા, કાસિમ બ્રિગેડસે તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદનમાં કહ્યું કે તેનો અંદાજ છે કે ઇઝરાયેલના હુમલાને કારણે લગભગ 50 બંધકો માર્યા ગયા છે. આ દિવસ દરમિયાન, ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 224 લોકોને બંધક બનાવ્યા છે.


જો બાઈડને કહ્યું- એટલા માટે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો


સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું છે કે તેમને ખાતરી છે કે ઇઝરાયેલ પર હમાસનો હુમલો 'ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર'ની જાહેરાતને કારણે થયો હતો. નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. આ કોરિડોરનો ઉદ્દેશ્ય સમગ્ર પ્રદેશને રેલવે નેટવર્ક સાથે સાંકળવાનો છે.