Israel-Palestine Conflict: ગઇકાલે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે એટલે કે હમાસના આતંકી સંગઠન સાથે યુદ્ધ છેડાઇ ગયુ છે. બને વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્ય છે ત્યાં વધુ એક માઠા સમાચાર ઇઝરાયેલ માટે આવ્યા છે. અત્યાર સુધી ઇઝરાયેલને દેશના દક્ષિણ ભાગમાં સ્થિત ગાઝાથી હુમલાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે તેને ઉત્તર તરફથી પણ હુમલાનો સામનો કરવો પડશે. ખરેખર, પાડોશી દેશ લેબનોને પણ ઇઝરાયેલ પર હુમલો કરી દીધો છે. લેબનોનથી ઇઝરાયેલના વિસ્તારમાં મિસાઇલો અને મૉર્ટાર છોડ્યા છે. લેબનોન તરફથી છોડવામાં આવેલી મિસાઈલ માઉન્ટ ડૉવ વિસ્તારમાં પડી છે. હજુ સુધી આ હુમલામાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.


એવું માનવામાં આવે છે કે, હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર આ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ પહેલા પણ ઈઝરાયેલને નિશાન બનાવી ચૂક્યું છે. વળી, ઇઝરાયેલ ડિફેન્સ ફૉર્સે લેબનોનમાં તોપના શેલ છોડ્યા છે. ઈઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું, 'IDF પહેલાથી જ આવા હુમલાની શક્યતા માટે તૈયારી કરી રહ્યું હતું. અમે તમામ ક્ષેત્રોમાં કામગીરી કરીશું. ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષાનું દરેક સમયે ધ્યાન રાખવા માટે કામ કરશે. લેબનોન બોર્ડર પર IDF સૈનિકો પણ તૈનાત થઇ ગયા છે.






લેબનૉન-ઇઝરાયેલ એકબીજાને માને છે દુશ્મન 
લેબનોન અને ઈઝરાયેલ બંને એકબીજાને દુશ્મન દેશ માને છે. બંને વચ્ચે સંઘર્ષ બાદ 2006માં શાંતિ સમજૂતી થઈ હતી, જે બાદ શાંતિ જળવાઈ રહી છે, પરંતુ તાજેતરના વર્ષોમાં લેબનોનથી ઈઝરાયેલ તરફ નાના મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલ પણ આનો જવાબ આપી રહ્યું છે. મોટાભાગના હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ છે, જે લેબનોનમાં ખૂબ જ સક્રિય છે. પશ્ચિમી દેશોએ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.


ઇઝરાયેલમાં 300 લોકોના મોત 
વળી, હમાસ દ્વારા અચાનક હુમલાના કારણે અત્યાર સુધીમાં 300 થી વધુ ઇઝરાયેલ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે, આ હુમલામાં અત્યાર સુધીમાં 1800થી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવાર સવાર સુધીના આંકડા અનુસાર ઈઝરાયેલમાં હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 1864 છે. તેમાંથી 19 લોકો એવા છે જેમની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 326 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પેલેસ્ટાઈનમાં જાનહાનિની ​​સંખ્યા એટલી જ છે.