Monkeypox: ઇઝરાયલી સત્તાવાળાઓએ કહ્યું છે કે વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિના મંકીપોક્સથી સંક્રમિત હોવાની વાત સામે આવી છે અને તેઓ અન્ય શંકાસ્પદ દર્દીઓની શોધ કરી રહ્યા છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે તેલ અવીવની હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની તબિયત સારી છે. મંત્રાલયે વિદેશથી પરત ફરતા લોકોને તાવ અને ફોલ્લીઓ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે.
આરોગ્ય મંત્રાલયના જાહેર આરોગ્ય સેવાઓના વડા શેરોન એલ્રો-પ્રીસે રવિવારે ઇઝરાયેલી આર્મી રેડિયોને જણાવ્યું હતું કે તબીબી ટીમો અન્ય શંકાસ્પદ મંકીપૉક્સ દર્દીઓને ઓળખવા માટે કામ કરી રહી છે.
મંકીપૉક્સના 80 કેસની પુષ્ટિ
ઇઝરાયેલમાં મંકીપોક્સનો આ કેસ પશ્ચિમ એશિયામાં આ ચેપનો પ્રથમ કેસ હોવાનું કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વભરમાં મંકીપોક્સ ચેપના લગભગ 80 પુષ્ટિ થયેલા કેસો અને લગભગ 50 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. મંકીપોક્સના ચેપના કેસો અગાઉ ફક્ત મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેના દર્દીઓ બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, યુએસએ, સ્વીડન અને કેનેડામાં પણ નોંધાયા છે. આમાંના મોટાભાગના દર્દીઓ યુવાન છે અને તેમની પાસે આફ્રિકાની મુસાફરીનો ઇતિહાસ નથી. ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયામાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે.
જંગલી પ્રાણીઓનો વાયરસ મંકીપોક્સ
મંકીપોક્સ માટે જવાબદાર વાયરસ વાંદરાઓ અને અન્ય જંગલી પ્રાણીઓમાં ઉદ્ભવે છે. મોટાભાગના ચેપગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરીરમાં દુખાવો, શરદી અને થાક જેવા લક્ષણો જોવા મળ્યા છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીઓના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ફોલ્લીઓ પણ દેખાઈ શકે છે.