Relief For Mehul Choksi: PNB બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને રાહત આપતા ડોમિનિકાની સરકારે "શંકાસ્પદ સંજોગોમાં અને ગેરકાયદેસર રીતે" એન્ટિગુઆ અને બાર્બુડાથી ડોમનિકા દેશમાં પ્રવેશવાના આરોપો પાછા ખેંચી લીધા છે. તેના પ્રવક્તાએ લંડનમાં આ માહિતી આપી હતી. મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડાથી ગુમ થયા બાદ ગયા વર્ષે મે મહિનામાં કેરેબિયન ટાપુના દેશ ડોમિનિકામાં મેહુલ ચોકસીની અટકાયત કરાઈ હતી. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડી કર્યા બાદ તપાસથી બચવા મેહુલ ચોકસી એન્ટીગુઆ અને બાર્બુડા ભાગી ગયો હતો અને ત્યાંની નાગરિકતા લીધી હતી. તેનો ભત્રીજો નીરવ મોદી આ કેસમાં સહઆરોપી છે.


ચોક્સીને 51 દિવસ બાદ ડોમિનિકાની હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ દરમિયાન ભારતે તેને પરત લઈ જવાનો પ્રયાસ કર્યો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ટીમ ખાનગી વિમાન સાથે ત્યાં પડાવ નાખીને રહી હતી. ચોક્સીના વકીલે જોકે આરોપ મૂક્યો હતો કે "ભારતીયો જેવા દેખાતા લોકોએ તેના અસીલ મેહુલ ચોકસીનું એન્ટિગુઆથી અપહરણ કર્યું હતું અને તેને ડોમિનિકા લાવ્યા હતા.


ચોકસીના પ્રવક્તાએ આ માહિતી આપીઃ
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના તમામ કેસોમાં કાર્યવાહી 20 મેના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું, "ચોક્સી ખુશ છે કે ડોમિનિકાની સરકારે મે 2021માં ગેરકાયદેસર પ્રવેશના તમામ આરોપોને પરત ખેંચી લીધા છે." આ કાર્યવાહી સાથે મેહલુને માન્યતા મળી છે કે, તેની સામે ક્યારેય કોઈ કેસ નહોતો થયો."


પ્રવક્તાએ કહ્યું, "ચોક્સીને ભારતના એજન્ટો દ્વારા તેની મરજી વિરુદ્ધ એન્ટીગુઆમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યો હતો." તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને બોટ દ્વારા ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો. ડોમનિકા લાવ્યા બાદ મેહલુ ચોકસીને એવા કેસ હેઠળ ડોમનિકા દેશના અધિકારીઓને સોંપવામાં આવ્યો જે અપરાધ તેણે ક્યારેય કર્યો જ નહોતો.


ચોક્સીની કાનૂની ટીમ તેના અસીલ સામે માનવાધિકારના ઉલ્લંઘન માટે ન્યાયની તમામ શક્યતાઓ અંગે કામ કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "ચોક્સીને આશા છે કે 23 મે 2021ના રોજ એન્ટીગુઆમાં તેના અપહરણમાં સંડોવાયેલા તમામ લોકોને ન્યાય અપાવવામાં આવશે," 


ચોકસીને આ શરતે જામીન મળ્યાઃ
નોંધનીય છે કે 62 વર્ષીય મેહુલ ચોક્સીને એન્ટિગુઆમાં ડોમિનિકાની હાઈકોર્ટે નર્વસ સિસ્ટમના નિષ્ણાત દ્વારા સારવાર માટે એ શરતે જામીન આપ્યા હતા કે તે કેસની સુનાવણી માટે ડૉક્ટરો દ્વારા ફિટ જાહેર કર્યા પછી પરત હાજર થશે.