Iran Israel Crisis: પશ્ચિમ એશિયા અથવા મધ્ય પૂર્વમાં હવે મોટા યુદ્ધનો ભય વધી ગયો છે. ઈરાનના સાથી દેશો પર ઈઝરાયેલના સતત હુમલા બાદ ઈરાને પણ ગઈકાલે આનો વળતો જવાબ આપ્યો હતો. હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહ અને ઇસ્માઇલ હાનિયાના મોતનો બદલો લેવા માટે છોડવામાં આવેલી મિસાઇલોથી ઇઝરાયેલને મોટુ નુકસાન તો થયુ નથી, પરંતુ હવે ઈઝરાયેલ પણ આનો જવાબ આપવા માટે તૈયાર થઇ ગયું છે, અને એવું માનવામાં આવે છે કે કેટલાક ટાર્ગેટ પણ ઓળખી લેવામાં આવ્યા છે.


ઇઝરાયેલના મુખ્ય ટાર્ગેટ પરમાણુ ઠેકાણાં, યૂરેનિયમ ખાણો, લશ્કરી કેમ્પો અને અરાક, ઇફ્તાહાન, બશીર, ફોર્ડો અને નાતાન્ઝમાં સ્થિત સંશોધન રિએક્ટર હોઈ શકે છે. આ સિવાય તહેરાનમાં રિસર્ચ રિએક્ટર અને સાંગન-યાઝદમાં યૂરેનિયમની ખાણો પણ તેમનું નિશાન બની શકે છે.


ઇરાને છોડી લાંબી દૂરી સુધી પ્રહાર કરનારી મિસાઇલો 
આ હુમલા માટે ઈરાને હાઈપરસૉનિક બેલેસ્ટિક મિસાઈલો અને બેલેસ્ટિક મિસાઈલોનો મોટો બેરેજ છોડ્યો હતો. ઇઝરાયેલમાં લગભગ 10 મિલિયન લોકોને બૉમ્બ શેલ્ટર્સમાં જવું પડ્યું. મોટાભાગની મિસાઇલો હવામાં નાશ પામી હતી, પરંતુ કેટલીક જમીન પર પડી હતી, જેનાથી હેબ્રૉનમાં એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયેલીઓને ઇજા થઇ હતી.


ઈરાને પહેલીવાર ફતહ-2 મિસાઈલનો ઉપયોગ કર્યો, જેની રેન્જ 1400 કિલોમીટર છે અને તેની સ્પીડ 18,500 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ કેટલીક હાયપરસૉનિક મિસાઇલોને અટકાવવામાં નિષ્ફળ રહી હતી અથવા તે એવા વિસ્તારોમાં પડી હતી જ્યાં તેને કોઈ નુકસાન થયું ન હતું. આ સિવાય ઈરાને ઈમાદ અને ગદર-110 મિસાઈલોનો પણ ઉપયોગ કર્યો હતો. આ હોવા છતાં, ખાસ કરીને આયર્ન ડૉમ અને ડેવિડ સ્લિંગ જેવી પ્રણાલીઓને કારણે ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલી મજબૂત સાબિત થઈ.


એકસાથે સાત મોરચે લડી રહ્યું છે ઇઝરાયેલ 
ઈઝરાયેલ એકસાથે સાત મોરચે સક્રિય છે, જેમાં ઈરાન, લેબેનાન, યમન, ઈરાક, સીરિયા, ગાઝા અને વેસ્ટ બેંકનો સમાવેશ થાય છે. ઈઝરાયલે આ તમામ સ્થળો પર પોતાના હુમલા તેજ કર્યા છે. હવે તેની સીધી ટક્કર ઈરાનમાં ખામેની સરકાર સાથે છે. લેબનાનમાં તેણે હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વને લગભગ નષ્ટ કરી દીધું છે.


તેણે બે દિવસ પહેલા યમનમાં હુતી બળવાખોરોના હુમલાનો જવાબ આપ્યો હતો. તેણે ઈરાકમાં શિયા આતંકવાદી જૂથો પર હવાઈ હુમલા પણ કર્યા હતા. સીરિયામાં ઈરાન તરફી જૂથોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય તેણે ગાઝામાં હમાસ વિરુદ્ધ બૉમ્બમારો ચાલુ રાખ્યો છે. અને પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સામે યુદ્ધ પણ લડી રહ્યો છે. અને હવે નેતન્યાહુએ ઈરાનને મોટી ધમકી આપી છે.


આ પણ વાંચો


Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો ચલાવીને શું બોલ્યુ ઇરાન