Isreal-Hamas War: હમાસ સાથેના યુદ્ધની વચ્ચે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ એક ઈમરજન્સી સરકાર અને વોર કેબિનેટની રચના કરવા સંમત થયા છે. સમાચાર એજન્સી એપીએ અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી છે.


ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. હમાસ સામે લડવા માટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને એકતા સરકાર બનાવી છે. સત્તાધારી લિકુડ પાર્ટીના ગઠબંધન એક દિવસ પહેલા જ આ માટે સંમત થયા હતા. મતલબ કે ઈઝરાયેલમાં સરકાર રચાશે જેમાં તમામ પક્ષોને સામેલ કરવામાં આવશે. એકતા સરકાર અથવા વોર કેબિનેટ યુદ્ધ દરમિયાન રચાય છે. ઈઝરાયેલમાં 1973 પછી પહેલીવાર યુનિટી ગવર્મેન્ટની જાહેરાત કરવામાં આવી છે.


 






યુદ્ધની વચ્ચે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે હમાસે અમારા પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. હમાસ અને ઇઝરાયેલના અન્ય દુશ્મનોની પેઢીઓ દાયકાઓ સુધી યાદ રાખશે તેવી કિંમત તેમણે ચૂકવવી પડશે. PM નેતન્યાહુએ કહ્યું કે- અમે યુદ્ધ ઇચ્છતા ન હતા. તે ખૂબ જ ક્રૂર રીતે અમારા પર લાદવામાં આવ્યું હતું. અમે ભલે યુદ્ધ શરૂ ન કર્યું હોય, પરંતુ અમે તેને સમાપ્ત કરીશું. ઇઝરાયેલ માત્ર તેના લોકો માટે જ નહીં, પરંતુ બર્બરતા સામે લડી રહેલા દરેક દેશ માટે લડી રહ્યું છે.


ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન યાયર લેપિડે યુનિટી ગવર્મેન્ટને કહ્યું, યુદ્ધની સ્થિતિમાં, વિરોધ પક્ષને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. અમે સેના અને સરકારને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટીના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ વડા અને મધ્યવાદી વિરોધ પક્ષના નેતા બેની ગેન્ટ્ઝ કટોકટી સરકાર (યુનિટી ગવર્મેન્ટ) પર સંમત થયા હતા.


અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, આવનારા દિવસોમાં પણ અમે અમારા ઇઝરાયલી પાર્ટનરની સાથે ઉભા રહીશું. હું ઈઝરાયેલ જઈ રહ્યો છું, જ્યાં હું એ સુનિશ્ચિત કરવા માટે કામ કરીશ કે તેઓ દરેક પરિસ્થિતીમાં તેમના દુશ્મનોથી પોતાનો બચાવ કરી શકે.