ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસે વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચૂક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પની પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો. વિદેશી મીડિયાના કહેવા પ્રમાણે, ઇવાન્કા ટ્રમ્પની પર્સનલ આસિસ્ટન્ટ છેલ્લા બે સપ્તાહથી તેમની આસપાસ નહોતી. બંન્ને વચ્ચે ફક્ત ફોન પર વાતચીત થતી હતી.


એક રિપોર્ટ અનુસાર, ઇવાન્કાની પર્સનલ આસિસ્ટન્ટમાં કોરોનાના કોઇ લક્ષણો જોવા મળ્યા નહોતા. તપાસમાં પોઝિટીવ આવ્યા બાદ તેણે પોતાને ઘરમાં જ કેદ કરી લીધી હતી. આ સાથે કોરોના વાયરસની ઝપેટમાં આવનારા વ્હાઇટ હાઉસના સ્ટાફની સંખ્યા ત્રણ થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇવાન્કા અને તેના પતિ જૈરેડ કશનરનો છેલ્લા દિવસમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ઇવાન્કા અમેરિકન રાષ્ટ્રપતિના વિશેષ સહયોગી તરીકે કામ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે, ઉપરાષ્ટ્રપતિના પ્રેસ સચિવ કેટે મિલર કોરોના પોઝિટીવ આવ્યા હતા. ટ્રમ્પે તેમના વખાણ કર્યા હતા. આ અગાઉ ગુરુવારે ટ્રમ્પના એક સેવક કોરોના પોઝિટીવ નોંધાયો હતો. બાદમાં ટ્રમ્પે પોતાની દરરોજ કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરાઇ હતી. એક સીનિયર અધિકારીએ કહ્યું કે, મિલરમાં કોરોના થયા બાદ વ્હાઇટ હાઉસમાં કંટૈક્ટ ટ્રૈસિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.