Quad Meeting: જાપાનના (Japan) સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે, ચીન અને રશિયાના લડાકૂ વિમાનો (Fighter Jets) મંગળવારે જાપાન પાસેથી એ સમયે સાથે ઉડ્યા હતા જ્યારે ક્વોડ સમૂહના દેશો (અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન)ના નેતાઓ ટોક્યોમાં મળ્યા હતા. નોબુઓ કિશીએ કહ્યું કે, સરકારે આ લડાકૂ વિમાનોની ઉડાનોને લઈ રશિયા અને ચીન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રાલયે એએફપીને જણાવ્યું કે, જો કે, રશિયા અને ચીનના વિમાનોએ ક્ષેત્રિય એર સ્પેસનું ઉલ્લંઘન નથી કર્યું. મંત્રાલયે કહ્યું કે, નવેમ્બર પછી આ ચોથી વખત બન્યું છે કે રશિયા અને ચીન દ્વારા લાંબા અંતરની સંયુક્ત ઉડાનો જાપાન પાસે જોવા મળી હોય.


ચીન અને રશિયાની સંયુક્ત ઉડાનઃ
નોબુઓ કિશીએ કહ્યું કે, "જાપાનના સમુદ્રમાં બે ચીની બોમ્બર્સ બે રશિયન બોમ્બર્સ સાથે જોડાયા હતા અને પૂર્વ ચીન સમુદ્રમાં સંયુક્ત ઉડાન ભરી હતી. આ પછી, કુલ ચાર એરક્રાફ્ટ, બે અનુમાનિત નવા ચાઇનીઝ બોમ્બર્સ (જેણે જૂના બેનું સ્થાન લીધું હતું) અને બે રશિયન બોમ્બરોએ પૂર્વ ચીન સમુદ્રથી પેસિફિક મહાસાગર સુધી સંયુક્ત ઉડાન ભરી હતી," જાપાનના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, રશિયન ગુપ્તચર માહિતી એકત્ર કરનાર વિમાને પણ મંગળવારે ઉત્તરી હોક્કાઇડોથી મધ્ય જાપાનમાં નોટો દ્વીપકલ્પ માટે ઉડાન ભરી હતી.


ગ્લોબલ ટાઈમ્સે વીડિયો શેર કર્યોઃ
ગ્લોબલ ટાઈમ્સે રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, "ચીની H-6K બોમ્બર્સ અને રશિયન Tu-95MS બોમ્બરોએ મંગળવારે જાપાનના સમુદ્ર, પૂર્વ ચીન સમુદ્ર અને પશ્ચિમી પેસિફિક મહાસાગર પર નિયમિત સંયુક્ત વ્યૂહાત્મક પેટ્રોલિંગ કર્યું હતું. આ ફાઈટર વિમાનોએ આંતરરાષ્ટ્રીય પાલન કર્યું અને અન્ય કોઈ દેશના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું નથી." ગ્લોબલ ટાઈમ્સે રક્ષા મંત્રાલયના નિવેદન સાથે ફ્લાઈટનો વીડિયો શેર કર્યો છે.