Japanese Prime Minister Fumio Kishida : જાપાનના વડાપ્રધાને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે, તેઓ સપ્ટેમ્બરમાં પદ છોડશે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. તેમણે સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી છે. જાપાનની સરકારી ટીવી ચેનલે આ વાતની પુષ્ટિ કરી છે.


રોઇટર્સના અહેવાલ મુજબ, ફુમિયો કિશિદાએ સત્તાધારી પક્ષ લિબરલ ડેમોક્રેટિક (LPD)ના પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર 2021માં ફ્યુમિયો કિશિદાએ જાપાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ વર્ષે જાપાનમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે. બુધવારે, કિશિદાએ કહ્યું હતું કે તેમણે પાર્ટી અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટણી (Election) ન લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ આવતા મહિને એલડીપીના નવા નેતાની ચૂંટણી સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે. કિશિદાએ પીએમ પદ છોડવાનું મુખ્ય કારણ પાર્ટીની અંદરનો વિવાદ હોવાનું કહેવાય છે.                                                                                                    


આ પદ છોડવા પાછળનું મોટું કારણ છે


ફ્યુમિયો કિશિદાએ ચૂંટણી પહેલા આ જાહેરાત કરી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિશિદાના પીએમ પદ છોડવા પાછળનું કારણ એ છે કે, પાર્ટીના કેટલાક નેતાઓ કિશિદા સરકારનો વિરોધ કરી રહ્યા હતા. પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે, કિશિદા સરકારના નેતૃત્વમાં આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે, કારણ કે આ દિવસોમાં જાપાન પાર્ટી વિવાદોમાં છે. ડિસેમ્બરમાં યુનિફિકેશન ચર્ચ સાથેના તેના સંબંધોના ઘટસ્ફોટ અને રાજકીય ભંડોળના વિવાદને કારણે પાર્ટીને ભારે નુકસાન થયું છે. કિશિદાની કેબિનેટનું એપ્રુવલ રેટિંગ પણ સતત ઘટી રહ્યું છે, આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી પણ સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતા 20 ટકાથી નીચે આવી ગઈ છે.