Japan vs China: એશિયામાં બે મહાસત્તાઓ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જાપાને રવિવારે (7 December, 2025) ચીન પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, ચીની નૌકાદળના J-15 ફાઈટર જેટે જાપાનના F-15 ફાઈટર જેટ પર 'ફાયર-કંટ્રોલ રડાર' લૉક કર્યું હતું. લશ્કરી ભાષામાં રડાર લૉક કરવું એ હુમલા પહેલાનું છેલ્લું સ્ટેપ અને અત્યંત આક્રમક પગલું માનવામાં આવે છે. જોકે, ચીને આ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થવાની અટકળો તેજ બની છે. જાપાને સ્પષ્ટ કર્યું છે કે તે ચીનની આ હરકતનો જડબાતોડ જવાબ આપશે.
શું બની હતી ઘટના?
જાપાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટના ઓકિનાવા ટાપુની નજીક બની હતી. ચીની સેનાના J-15 લડાકુ વિમાને જાપાની એરફોર્સના F-15 વિમાનને ટાર્ગેટ બનાવીને તેનું રડાર લૉક કરી દીધું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ પાયલટ દુશ્મન વિમાન પર રડાર લૉક કરે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે મિસાઈલ છોડવાની તૈયારીમાં છે. આ કૃત્ય વિમાનની સુરક્ષા માટે મોટો ખતરો છે અને તેને યુદ્ધની ઉશ્કેરણી તરીકે જોવામાં આવે છે.
જાપાનનો આકરો મિજાજ અને વિરોધ
આ ઘટના બાદ જાપાન સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ટોક્યોમાં ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સ સાથેની મુલાકાત દરમિયાન કોઈઝુમીએ જણાવ્યું હતું કે, "ચીનનું આ વર્તન ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો છે. જાપાન પોતાની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે ચીનને યોગ્ય અને સખત જવાબ આપશે." જાપાને શનિવારે જ આ મામલે ચીન સમક્ષ રાજદ્વારી સ્તરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ચીનનો લૂલો બચાવ: "જાપાન જ ગુનેગાર છે"
બીજી તરફ, ચીને હંમેશ મુજબ આક્રમક વલણ અપનાવીને ઉલટો ચોર કોટવાળને દંડે જેવો ઘાટ સર્જ્યો છે. ચીની નૌકાદળ (PLA) ના પ્રવક્તા કર્નલ વાંગ ઝુમેંગે જાપાનના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનો દાવો છે કે ચીની નૌકાદળ મિયાકો સ્ટ્રેટની પૂર્વમાં જાહેર કરાયેલી ફ્લાઈટ ટ્રેનિંગ કરી રહી હતી, ત્યારે જાપાની વિમાનોએ તેમની નજીક આવીને અવરોધ ઉભો કર્યો હતો. ચીની મીડિયા અને નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે જાપાન પીડિત હોવાનો ઢોંગ કરી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તેણે જ ચીની અભ્યાસમાં ખલેલ પહોંચાડી હતી.
તાઈવાન મુદ્દે વધતો તણાવ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાઈવાનને લઈને ચીન અને જાપાન વચ્ચે સંબંધો પહેલાથી જ તંગ છે. જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ ગયા મહિને ચેતવણી આપી હતી કે જો ચીન તાઈવાન પર કોઈ લશ્કરી કાર્યવાહી કરશે અને તેનાથી જાપાનની સુરક્ષા જોખમાશે, તો જાપાન ચૂપ નહીં બેસે. તાઈવાન જાપાનના પશ્ચિમી ટાપુ યોનાગુનીથી માત્ર 110 કિમી (70 માઈલ) દૂર છે, તેથી ચીનની કોઈપણ હિલચાલ જાપાન માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, ફુકુશિમા પ્લાન્ટના પાણી છોડવાના મુદ્દે પણ બેઈજિંગે જાપાન સામે આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જેનાથી સ્થિતિ વધુ વણસી છે.