India-Philippines Defence Deal:  દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનની વધતી દાદાગીરી વચ્ચે ફિલિપાઈન્સે પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ભારત સાથે વધુ એક મોટો સંરક્ષણ સોદો કરવાની તૈયારી દર્શાવી છે. ફિલિપાઈન્સ હવે પોતાની જૂની અને અમેરિકન બનાવટની મિસાઈલ સિસ્ટમને નિવૃત્ત કરીને ભારતની સ્વદેશી 'આકાશ' (Akash) સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે સત્તાવાર વાટાઘાટો કરી રહ્યું છે. અમેરિકાની 'Hawk' સિસ્ટમ હવે જૂની થઈ ગઈ હોવાથી ફિલિપાઈન્સની નજર ભારતીય ટેકનોલોજી પર છે. જો આ ડીલ ફાઇનલ થાય છે, તો બ્રહ્મોસ બાદ આ ભારતની બીજી મોટી સફળતા ગણાશે.

Continues below advertisement

અમેરિકન સિસ્ટમ હવે બની ગઈ છે 'આઉટડેટેડ'

ફિલિપાઈન્સ વાયુસેના પાસે હાલમાં 1990 ના દાયકામાં ખરીદેલી અમેરિકન બનાવટની HAWK XXI સિસ્ટમ છે, જે હવે જૂની થઈ ચૂકી છે. આ સિસ્ટમ ક્લાર્ક એર બેઝ પર કાર્યરત છે, પરંતુ સ્પેરપાર્ટ્સની અછત અને જૂની ટેકનોલોજીને કારણે તેની જાળવણીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હાલની સિસ્ટમ માત્ર 40-45 કિલોમીટર સુધી ફાઈટર જેટ અને 20-25 કિલોમીટર સુધી ક્રુઝ મિસાઈલને રોકવા સક્ષમ છે, જે વર્તમાન પડકારો સામે અપૂરતી છે.

Continues below advertisement

ભારતની દમદાર ઓફર: આકાશ-1S સિસ્ટમ

ફિલિપાઈન્સની જરૂરિયાતોને સંતોષવા માટે ભારતે પોતાની અત્યાધુનિક 'આકાશ-1S' મિસાઈલ સિસ્ટમની ઓફર કરી છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા નિર્મિત આ સિસ્ટમ ભારતીય સેના અને વાયુસેનામાં પહેલાથી જ સફળતાપૂર્વક કાર્યરત છે.

ક્ષમતા: આ સિસ્ટમ દુશ્મનના ફાઈટર જેટને 45 કિલોમીટર અને ક્રુઝ મિસાઈલોને 30 કિલોમીટરના અંતરે તોડી પાડવા સક્ષમ છે.

ટેકનોલોજી: આ એક મોબાઈલ સિસ્ટમ છે જેને 8x8 હેવી મિલિટરી ટ્રક પર ગમે ત્યાં લઈ જઈ શકાય છે. એક બેટરી યુનિટમાં 4 મોબાઈલ લોન્ચર હોય છે અને દરેક લોન્ચર પર 8 મિસાઈલ તૈનાત હોય છે. તે એડવાન્સ 3D રડાર અને કમાન્ડ પોસ્ટથી સજ્જ છે.

ચીન સામે સુરક્ષા કવચ

ફિલિપાઈન્સ માટે આ ડીલ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે. આકાશ સિસ્ટમ ખરાબ હવામાનમાં પણ કામ કરી શકે છે અને તેને ઝડપથી તૈનાત કરી શકાય છે. ચીન સાથેના દરિયાઈ તણાવને જોતા, સુબિક બે, ક્લાર્ક એર બેઝ અને પલવાન જેવા સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા માટે આ સિસ્ટમ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

રેન્જની મર્યાદા અને ભાવિ આયોજન

શરૂઆતમાં ફિલિપાઈન્સની માંગ 50 થી 80 કિલોમીટરની રેન્જ ધરાવતી સિસ્ટમ માટે હતી. ભારત પાસે લાંબા અંતરની 'આકાશ-NG' (Next Generation) સિસ્ટમ છે, પરંતુ તે હજુ પરીક્ષણ હેઠળ હોવાથી નિકાસ માટે ઉપલબ્ધ નથી. અન્ય સિસ્ટમો જેમ કે MRSAM-ER માં સંવેદનશીલ ટેકનોલોજી હોવાથી તે પણ ઓફર કરાઈ નથી. તેથી, હાલ પૂરતું આકાશ-1S શ્રેષ્ઠ વિકલ્પ છે.

સોદાની કિંમત $200 મિલિયન?

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ વાટાઘાટો સફળ રહેશે તો ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે આશરે $200 મિલિયનનો કરાર થઈ શકે છે. અગાઉ બંને દેશો વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનો સોદો થયો હતો, અને હવે આ બીજો મોટો કરાર ભારતની સંરક્ષણ નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે.