Kimberly Cheatle: યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર Kimberly Cheatleએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પ પર ઘાતક હુમલામાં સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. ટ્રમ્પના સમર્થકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
સિક્રેટ સર્વિસ ચીફના રાજીનામા પર રિપબ્લિકન હાઉસના સ્પીકર માઈક જોન્સને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે , "મને ખુશી છે કે તેણીએ યોગ્ય કામ કર્યું." તેમણે કહ્યું, "તેઓએ તેમાં ખૂબ જ વિલંબ કર્યો. તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા તે કરવું જોઈતું હતું. મને એ જોઈને આનંદ થયો કે તેઓએ રિપબ્લિકન અને ડેમોક્રેટ બંનેની અપીલ પર ધ્યાન આપ્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે "આપણે સિક્રેટ સર્વિસમાં અમેરિકાના લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માંગીએ છીએ. એક એજન્સી તરીકે તેની પાસે રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને કાર્યકારી શાખાના અન્ય અધિકારીઓને સુરક્ષિત રાખવાની અતિ મહત્વની જવાબદારી છે."
સિક્રેટ સર્વિસ પાસે રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી
વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસ પાસે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 જુલાઈના રોજ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી યોજી રહ્યા હતા, ત્યારે એક હુમલાખોરે એડવાન્સ્ડ રાઈફલથી તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પનો બચાવ થયો હતો અને એક ગોળી તેમના કાનના ઉપરના ભાગને અડીને પસાર થઈ હતી. આ રેલીમાં પોતાના પરિવારની રક્ષા કરી રહેલા એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું મોત થયું હતું. ટ્રમ્પ પરના આ હુમલા બાદ યુએસ સિક્રેટ સર્વિસ નિશાના પર આવી ગઈ છે.
રિપબ્લિકન-ડેમોક્રેટ નેતાઓએ રાજીનામું માંગ્યું હતું
સિક્રેટ સર્વિસને ઘટના દરમિયાન તેની સુરક્ષા નિષ્ફળતાઓ માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સિક્રેટ સર્વિસ ચીફ ચીટલ હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ હાજર થયા, જ્યાં તેણીએ સુરક્ષા યોજના અને કાયદાના અમલની પ્રતિક્રિયા અંગે હતાશ સાંસદોના સવાલોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ઘણા સાંસદોએ તેમના રાજીનામાની માંગ કરી હતી.
2022થી એજન્સીના ચીફ રહેલા ચીટલે સાંસદોને કહ્યું હતું કે તેમણે ટ્રમ્પની સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધી છે. 1981માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર થયેલા ઘાતક હુમલા પછી આ સિક્રેટ સર્વિસની સૌથી મોટી નિષ્ફળતા હતી.
સિક્રેટ સર્વિસને પોતાની કામગીરીને લઇને અનેક કોંગ્રેસ સમિતિઓ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી, તેની મૂળ સંસ્થા તરફથી તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.રાષ્ટ્રપતિ બાઇડને આ મામલે સ્વતંત્ર સમીક્ષાની અપીલ કરી છે.