લાહોરઃ પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહ મામલાની સુનાવણી કરનારી અને તેમને મોતની સજા આપનારી વિશેષ અદાલતની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી. સાથે મુશર્રફની મોતની સજાને માફ કરી દીધી હતી. છ વર્ષ સુધી તેમના વિરુદ્ધ દેશદ્રોહના કેસની સુનાવણી ચાલી હતી. આ કેસ 2013માં તત્કાલિન પાકિસ્તાન પીપલ્સ મુસ્લિમ લીગ નવાઝ સરકારે નોંધ્યો હતો. નોંધનીય છે કે ઇસ્લામાબાદની વિશેષ અદાલતને 17 ડિસેમ્બર 2019ના રોજ મુશર્રફને મોતની સજા સંભળાવી હતી.


પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉનના રિપોર્ટ અનુસાર, લાહોર હાઇકોર્ટે મુશર્રફ વિરુદ્ધ વિશેષ અદાલતની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી. જસ્ટિસ સૈયદ મઝહર અલી અકબર નકવી. મોહમ્મદ અમીર ભટ્ટી અને ચૌધરી મસૂદ જહાંગીરની બેન્ચે મુશર્રફની અરજી પર સોમવાર ચુકાદો આપ્યો હતો.


મુશર્રફે પોતાના વિરુદ્ધ દેશદ્રોહના મામલામાં સુનાવણી માટે વિશેષ અદાલતની રચનાને પડકારી હતી. મુશર્રફે લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી વિશેષ અદાલતના નિર્ણયને બિન કાયદેસર, ક્ષેત્રાધિકારથી બહાર અને ગેરબંધારણીય ગણાવી તેને ફગાવવાની માંગ કરી હતી. સાથે જ હાઇકોર્ટના ચુકાદો આવવા સુધી વિશેષ કોર્ટનો નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરી હતી.

એડિશનલ એર્ટોની જનરલ ઇશ્તિયાક અહમદ ખાને કોર્ટને કહ્યું હતું કે, બંધારણની કલમ 6 હેઠળ મુશર્રફ વિરુદ્ધ સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફની સરકારની કેબિનેટ બેઠકોમાં એજન્ડાનો હિસ્સો નહોતો. વિશેષ કોર્ટની રચના મંત્રીમંડળની મંજૂરી વિના કરી દેવામાં આવી હતી.