War VIDEO: રશિયા અને યૂક્રેન વચ્ચેની લડાઇ વધુ ભીષણ બની રહી છે, રશિયાના ક્રેમલિન પર થયેલા ડ્રૉન અટેક બાદ રશિયન સેના અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વધુ આક્રમક મૂડમાં આવી ગયા છે. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હાલમાં ચરમસીમા પર પહોંચી ચૂક્યુ છે. રશિયાએ યૂક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે. યુદ્ધમાં રશિયાએ યૂક્રેનના બખ્મુત શહેર પર સૌથી ઘાતક અને વિનાશક ફૉસ્ફરસ બૉમ્બથી એટેક કર્યો છે. 


યૂક્રેને રશિયા પર આ પોતાના દેશમાં ફૉસ્ફરસ બૉમ્બથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, અને આ અંગેનો એક ઘાતક વીડિયો યૂક્રેને શેર પણ કર્યો છે, જે વીડિયોમાં બૉમ્બની ભયાનકતા દેખી શકાય છે. યૂક્રેનિયન સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રૉન ફૂટેજમાં આખા બખ્મુત શહેરને સળગતા જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શહેર પર સફેદ ફૉસ્ફરસનો વરસાદ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


મીડિયા અહેવાલોને ટાંકીને બીબીસીએ દાવો કર્યો છે કે, સફેદ ફૉસ્ફરસ હથિયારો પર પ્રતિબંધ નથી. જોકે, નાગરિક વિસ્તારોમાં તેમના ઉપયોગને યુદ્ધ અપરાધ ગણવામાં આવે છે. કારણ કે, આનાથી આગ ઝડપથી ફેલાય છે, અને તેને હોલવવી ખુબ મુશ્કેલ બની જાય છે. આ પહેલા પણ રશિયા પર યૂક્રેને આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. રશિયા તેના શંકાસ્પદ વ્યૂહાત્મક મહત્વ હોવા છતાં, મહિનાઓથી બખ્મુતને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પશ્ચિમી અધિકારીઓએ અંદાજ લગાવ્યો છે કે બખ્મુતને કબજે કરવાના પ્રયાસમાં હજારો રશિયન સૈનિકો મોતને ઘાટ ઉતરી ચૂક્યા છે.






ટ્વિટર આ અંગે લખતા યૂક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાએ "આગઝરતાં દારૂગોળો સાથે બખ્મુતના નિર્જન વિસ્તારો" ને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ક્યારે થયો તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. યૂક્રેન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોથી લાગે છે કે રશિયાના આ ફૉસ્ફરસ બૉમ્બ હુમલાને કારણે બખ્મુત શહેરની બહુમાળી ઇમારતો આગના ગોળામાં ફેરવાઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરવામાં આવેલા અન્ય વીડિયોમાં જમીન પરની આગળની જ્વાળાઓ અને રાત્રિના આકાશમાં સફેદ વાદળો દેખાઇ રહ્યાં છે.


જોકે, રશિયાએ ક્યારેય જાહેરમાં ફૉસ્ફરસ શસ્ત્રોના ઉપયોગનો સ્વીકાર કર્યો નથી. ગયા વર્ષે ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવએ દબાણપૂર્વક જણાવ્યું હતું કે "રશિયાએ ક્યારેય આંતરરાષ્ટ્રીય સંમેલનોનું ઉલ્લંઘન કર્યું નથી." જ્યારે યૂક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યું કે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.