Lebanon Radio Blast:  મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે એક નવી ઘટનાએ આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. લેબનોનમાં મંગળવારે (17 સપ્ટેમ્બર 2024) પેજર બ્લાસ્ટ પછી, બુધવારે (18 સપ્ટેમ્બર) રાજધાની બેરૂતમાં ફરીથી બે વિસ્ફોટ થયા. બુધવારે થયેલા બ્લાસ્ટ ઈલેક્ટ્રોનિક સાધનોમાં થયા હતા. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલમાં બ્લાસ્ટ થયા છે.


રેડિયો બ્લાસ્ટમાં 100થી વધુ ઘાયલ


રોઇટર્સના અહેવાલ મુજબ, દેશના દક્ષિણમાં અને રાજધાનીના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થયા છે. અહેવાલો અનુસાર, ગઇકાલે (17 સપ્ટેમ્બર 2024) હિઝબુલ્લાહ દ્વારા માર્યા ગયેલા લોકો માટે આયોજિત અંતિમ સંસ્કારના સ્થળની નજીક વિસ્ફોટ થયો હતો. મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે. અલ હદથ ટીવી ચેનલના અહેવાલ મુજબ લેબનોનમાં રેડિયો વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.


ત્રણ લોકો મૃત્યુ પામ્યા


રોઇટર્સના અહેવાલ મુજબ, હેન્ડ-હેલ્ડ રેડિયો પાંચ મહિના પહેલા હિઝબુલ્લાહ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. પેજર્સ ખરીદવામાં આવ્યા હતા તે જ સમયે આની પણ ખરીદી થઈ હતી. અહેવાલો અનુસાર, બુધવારે હાથમાં પકડવામાં આવતા રેડિયો ઉપકરણના વિસ્ફોટને કારણે ત્રણ લોકોના મોત થયા હતા. હિઝબુલ્લાએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયેલે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.


હિઝબુલ્લાએ બુધવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી આર્ટિલરી પોઝિશન્સ પર રોકેટ હુમલાઓ સાથે જવાબ આપ્યો. પેજર હુમલા પછી લેબનોનનો આ પહેલો સીધો હુમલો હતો. પેજર વિસ્ફોટોથી હિઝબોલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે સરહદ પારની અથડામણોને કારણે પહેલેથી જ તણાવગ્રસ્ત વિસ્તારોમાં તણાવ વધુ વધી ગયો છે.


 17 સપ્ટેમ્બરે પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ લેબનોનમાં અફરાતફરીનો માહોલ છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. લગભગ 4 હજાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. લેબનોનનો આરોપ છે કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલનો હાથ છે. હિઝબુલ્લાએ બદલો લેવાની ચેતવણી આપી છે. જેને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઇઝરાયેલે લેબનોન સાથેની સરહદ પર 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.


આ પણ વાંચો...


Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ લાલઘૂમ હિઝબુલ્લા, ઈઝરાયેલ પર કર્યો રોકેટનો વરસાદ