નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે આજથી લોકડાઉન 2 લાગુ થઈ ગયું છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને 1 નવેમ્બરે જાહેરાત કરી હતી કે ઇંગ્લેન્ડમાં ચાર સપ્તાહનું વધુ એક લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન બે ડિસેમ્બર સુધી ચાલશે. જોકે આ લોકડાઉનમાં સ્કૂલો અને યૂનિવર્સિટી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. બીજા લોકડાઉન દરમિયાન ઇંગ્લેન્ડમાં બિનજરૂરી વસ્તુઓની દુકાનો, રેસ્ટોરન્ટ, રબ અને હોટલો બંધ રહેશે. ઉપરાંત પ્રવાસ પર પણ પ્રતિબંધ છે.


તમને જણાવીએ કે, આ પહેલા ઇંગ્લેન્ડમાં માર્ચમાં પ્રથમ વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે હોસ્પિટલો પર ભાર વધવા લાગ્યો, જેના કારણે પીએમ બોરિસ જોનસને લોકડાઉનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આ લોકડાઉન 2 ચાર સપ્તાહ બાદ ખત્મ થઈ જશે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “પાંચ નવેમ્બરથી બે ડિસેમ્બરની વચ્ચે તમે કામ વગર ઘરની બહાર ન નીકળો. આ લોકડાઉન ઇંગ્લેન્ડમાં ચાર સપ્તાહ માટે લાગુ છે. ત્યાર બાદ અમે લેટેસ્ટ ડેટાને જોયા બાદ અમે તને હટાવીશું.”


બોરિસ જોનસે સંસદમાં પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, લોકડાઉન 2માં લગાવવામાં આવેલ પ્રતિબંધ સમય પર પરત લઈ લેવામાં આવશે, જેથી ઇંગ્લેન્ડને વધારે નોર્મલ રીતે ક્રિસમસ મનાવવાની તક મળી શકે. નોંધનીય છે કે, બ્રિટેન પર કોરોન વાયરસની ઘણી અસર થઈ છે. અહીં અંદાજે 11 લાખ કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે અંદાજે 48 હજાર લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે.