Lockdown in South Africa: ફરી એક વખત કોરોનાનો ખોફ દુનિયામાં જોવા મળી રહ્યો છે અને લોકો ફરીથી ડરના પડછાયામાં જીવવા મજબૂર થઈ રહ્યા છે. ઓમિક્રોનના વેરિઅન્ટ વિશ્વના 25 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આ વેરિઅન્ટને લઈ સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં છે. અહીં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સાઉથ આફ્રિકામાં લેવલ -1ના સ્તરનું લોકડાઉન લગાવી દેવાયું છે. જેના કારણે બજારો બંધ છે, સડકો સૂની થઈ ગઈ છે અને લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.


દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ થયા બાદ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના મામલા 400 ટકા વધ્યા છે.સંક્રમણનો દર પણ 10 ટકાને પાર થઈ ગયો છે. જોકે સૌથી દુખદ વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનથી સંક્રમિત થનારા 87 ટકા દર્દીએ રસી લીધી નહોતી.


કોરોનાના નવા વેરિઅન્ટને જોતા હાલ દક્ષિણ આફ્રિકામાં લેવલ વન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે સૌથી નીચલા સ્તરનું લોકડાઉન છે. એક્સપર્ટના કહેવા મુજબ સાઉથ આફ્રિકામાં કુલ પ્રકારના લોકડાઉન લગાવવામાં આવે છે. જેમાં સૌથી કડક લોકડાઉન પાંચમી શ્રેણીનું માનવામાં આવે છે. હાલ અહીં લેવલ-1 લોકડાઉન છે, જો સ્થિતિ વધારે વણસે તો સરકાર કડક પગલાં લઈને લોકડાઉનનું લેવલ બદલી શકે છે.  


દક્ષિણ આફ્રિકામાં નવો વેરિઅન્ય મળ્યા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ દક્ષિણ આફ્રિકા સહિત અન્ય છ દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે, આ પ્રતિબંધથી દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ જશે.


દક્ષિણ આફ્રિકાના ચેપી રોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો ચેપ ધરાવતાં દર્દીઓમાં સૂકી ખાંસી, તાવ અને રાત્રે પરસેવો વળવા જેવા હળવા લક્ષણો વરતાય છે. નવા વેરિઅન્ટ મામલે સૌ પ્રથમ સંદેહ વ્યક્ત કરનારી ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે ૧૮ નવેમ્બરે પહેલીવાર મારા ક્લિનિક પર સાત એવા દર્દીઓ જોવા મળ્યા હતા જેમાં ડેલ્ટા કરતાં અલગ સ્ટ્રેઇન લાગતા હતા.   વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન સમગ્ર દુનિયામાં ફેલાઇ શકે છે તેવી ચેતવણી આપી છે.