લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાથી બચવા અનેક દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન પરિવારના તમામ સભ્યો ઘરમાં જ કેદ હોવાથી અનેક જગ્યાએ ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે.

એએનઆઈના રિપોર્ટ પ્રમાણે Xinhua ન્યૂઝ એજન્સીએ લંડન મેટ્રોપોલિટન પોલીસના ડેટાને ટાંકીને જણાવ્યું કે, એપ્રિલ 19 સુધીના લોકડાઉનના 6 સપ્તાહ દરમિયાન લંડનમાં ઘરેલુ હિંસા અંતર્ગત દિવસના 100ની સરેરાશથી  4093 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  આ ઉપરાંત છેલ્લા છ સપ્તાહ દરમિયાન ઘરેલુ દુર્વ્યવહારના ફોન આવવાની સંખ્યામાં પણ વધારો થયો છે.

આ ઉપરાંત ઘરેલુ વિવાદની સંખ્યામાં ગત વર્ષ કરતાં ત્રણ ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ 9 થી એપ્રિલ 19 સુધી આ સંખ્યામાં 9 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોવિડ-19ના કારણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે તેથી આવી ઘટનામાં વધારો થયો હોવાનો પોલીસે સ્વીકાર કર્યો હતો.


વિશ્વમાં અત્યાર સુધીમાં 30 લાખ જેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી બે લાખ કરતાં વધુ લોકોના મોત થયા છે.