લૉસ એન્જલસ: અમેરિકામાં લૉસ એન્જલસ સ્થિત એક રેસ્ટોરન્ટમાં એક ઝઘડાના કારણે થયેલા ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા હતા જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસને રેસ્ટોરન્ટમાં દરેક જગ્યાએ લોહી જોવા મળ્યું હતું. પોલીસે આ ઘટનામાં બે શંકાસ્પદોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. લૉંસ એન્જલસના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી માઈક લોપેજે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટમાં શનિવારના રાત્રે 12 વાગ્યાને 30 મિનિટ પર એક પાર્ટી ચાલી રહી હતી. અને તે વખતે કોઈ કારણસર ત્યાં એક પુરુષ અને એક સ્ત્રી ઝઘડ્યા હતા. બાદમાં તે બન્ને જણાં ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ થોડીવાર પછી બન્ને જણાં રેસ્ટોરન્ટમાં પાછા ફર્યા હતા. અને રેસ્ટોરન્ટમાં સામ સામે ગોળીબાર કરવા લાગ્યા હતા.
આ ઘટનામાં ઘટના સ્થળે જ 3 લોકોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.