Los Angeles Wildfire: લોસ એન્જલસના પર્વતીય વિસ્તારમાં મંગળવારે વિશાળ જંગલમાં આગને કારણે તબાહી સર્જાઈ હતી, જેના કારણે 30,000 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી હતી. આગ પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં 1,262 એકર (510 હેક્ટર)માં ફેલાઇ હતી.






આગ કેવી રીતે ફેલાઈ?


હવામાન વિભાગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે આગ લાગવાનો ભય છે. આ પવનોએ આગને વધુ વેગ આપ્યો, જેના કારણે તે થોડા કલાકોમાં ઝડપથી ફેલાઈ ગઈ. રાત્રે જોરદાર પવનને કારણે આગ અન્ય વિસ્તારોમાં પ્રસરી જવાની શકયતા હતી.






આગને કારણે ઘણા ઘરો બળી ગયા અને સનસેટ બુલેવાર્ડ અને પેસિફિક કોસ્ટ હાઇવે નજીક ખજૂરનું વૃક્ષ સળગી ગયું હતું. લોકોને વાહનો છોડીને પગપાળા ભાગવાની ફરજ પડી હતી. સ્થાનિક રહેવાસી સિન્ડી ફેસ્ટાએ જણાવ્યું હતું કે, "અમે વિસ્તાર છોડી ભાગી રહ્યા હતા ત્યારે આગ અમારી કારની ખૂબ નજીક હતી. તે એક ડરામણો અનુભવ હતો. લોકો તેમના વાહનોને રસ્તા પર છોડીને ભાગી રહ્યા હતા."






પીટર નામના અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, "હું મારા ઘરમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આગની જ્વાળાઓએ રસ્તો રોકી દીધો.


બચાવ કામગીરી


ફાયર ફાઈટરોએ વિમાન દ્વારા દરિયામાંથી પાણી લઈને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇમરજન્સી વાહનો પસાર થઈ શકે તે માટે રસ્તાઓ પર બાકી રહેલા વાહનોને દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોસ એન્જલસના ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ જણાવ્યું હતું કે, "અમે ભાગ્યશાળી છીએ કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી."


નેશનલ વેધર સર્વિસે મંગળવારથી ગુરુવાર સુધી લોસ એન્જલસ કાઉન્ટી માટે 'એક્સ્ટ્રીમ ફાયર ડેન્જર' ચેતવણી જાહેર કરી છે. તેમણે 50 થી 80 માઈલ પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની આગાહી કરી હતી. ગવર્નર ગેવિન ન્યૂઝમે જણાવ્યું હતું કે આ આપત્તિનો સામનો કરવા માટે ઉત્તરી કેલિફોર્નિયાના સંસાધનો પહેલેથી જ દક્ષિણ કેલિફોર્નિયામાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "અમને ડર છે કે અન્ય સ્થળોએ પણ આગ લાગી શકે છે."






લોસ એન્જલસમાં લાગેલી આ આગ માત્ર સ્થાનિક રહેવાસીઓ માટે જ નહીં પરંતુ અધિકારીઓ માટે પણ એક મોટો પડકાર છે. અગ્નિશામકોના પ્રયાસો અને લોકોની સતર્કતા દ્વારા જ આ આપત્તિનો સામનો કરી શકાય છે. આગ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે.