Mahadev Betting App : મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. અને EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.






 


મહાદેવ બુક એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈથી આ એપને ચલાવતા હતા. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો.


સૌરવ ચંદ્રાકર અગાઉ રાયપુરમાં જ્યુસ સેન્ટર ચલાવતો હતો. આ પછી તે સટ્ટાબાજીમાં સામેલ થઈ ગયો. સૌરવ અને રવિ પાસે 6000 કરોડથી વધુની સંપત્તિ હોવાની શંકા છે. હવાલા મારફતે મોટી રકમ દુબઈ મોકલવામાં આવી છે. એજન્સીઓને શંકા છે કે દાઉદ ઈબ્રાહિમ ગેંગની મદદથી દુબઈથી મહાદેવ બુક એપને આટલા મોટા પાયે ઓપરેટ કરવામાં આવી રહી હતી.


EDની તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ ઓનલાઈન બુક પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ વગેરે જેવી લાઈવ ગેમ્સ પર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ એપ તીન પત્તી, પોકર જેવી ઘણી કાર્ડ ગેમ રમવાની સુવિધા પણ પૂરી પાડે છે. ડ્રેગન ટાઇગર, કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ ક્રિકેટ ગેમ, ભારતમાં યોજાનારી વિવિધ ચૂંટણીઓ પર સટ્ટાબાજીની પણ સુવિધા આપે છે.


ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લાગ્યા હતા


મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ED  આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, 2 નવેમ્બરના રોજ EDને માહિતી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ લઈ જવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇડીએ 5 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. EDએ અસીમ દાસની ધરપકડ કરી હતી. અસીમ દાસે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલ ભંડોળ મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા એક રાજકારણી 'બઘેલ'ને છત્તીસગઢ રાજ્યમાં આગામી ચૂંટણી ખર્ચ માટે આપવા માટે વ્યવસ્થા કરાઇ હતી