શ્રીલંકાઃ શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મહિન્દ્રા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટના બે મહત્વના નિર્ણય બાદ વડાપ્રધાન પદ પર તેમનું રહેવું ગેરબંધારણીય બની જતા રાજપક્ષેએ આ નિર્ણય લીધો હતો. રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં લગભગ બે મહિનાથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ સમાપ્ત થઇ ગયો છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે આ પદ પરથી હટાવવામાં આવેલા રાનિલ વિક્રમસિંઘ રવિવારે વડાપ્રધાન પદની શપથ લઇ શકે છે.
રાજપક્ષેના દીકરા નમાલ રાજપક્ષેએ આ મામલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દેશમાં સ્થિરતા સુનિશ્વિત કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાના એક વિવાદાસ્પદ નિર્ણય લેતા 26 ઓક્ટોબરના રોજ રાનિલ વિક્રમસિંઘેને હટાવીને રાજપક્ષેને વડાપ્રધાન બનાવી લીધા હતા ત્યારબાદ દેશમાં બંધારણીય સંકટ પેદા થઇ ગયું હતું. સાંસદ નમાલે કહ્યું કે, રાષ્ટ્રપતિ સિરિસેના સાથે રાજકીય ગઠબંધન માટે શ્રીલંકા પોડુજન પેરામુના, શ્રીલંકા ફ્રિડમ પાર્ટી તથા બીજા દળો સાથે મળીને કામ કરશે.   જ્યારે વિક્રમસિઘના જૂથને આશા છે કે સિરિસેના રાજપક્ષેના રાજીનામા બાદ તેમને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવશે. જેનાથી રાજકીય ઘમાસાણ ખત્મ થઇ જશે.